શહેરમાં ભારે વરસાદ બાદ ખાડી પૂરની ગંભીર પરિસ્થિતી
નાયબ મુખ્યમંત્રીએ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી
વિવિધ વિસ્તારોમાં હર્ષ સંઘવીએ સ્થિતીનો તાગ મેળવ્યો
નાયબ મુખ્યમંત્રીએ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી
સર્વેની કામગીરી મોટાભાગની પૂર્ણ થઈ : નાયબ મુખ્યમંત્રી
સુરત શહેરમાં ભારે વરસાદ બાદ ખાડી પૂરની ગંભીર સ્થિતિ અંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ પરિસ્થિતીનો તાગ મેળવ્યો હતો.
સુરત શહેરમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી ખાડી પૂરની ગંભીર પરિસ્થિતિ બાદ રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ પરિસ્થિતીનો તાગ મેળવ્યો હતો. ભટાર વિસ્તારના પૂરગ્રસ્ત આંબેડકરનગર અને આઝાદ નગરની મુલાકાત લઈ લોકોને જરૂરી સહાય પૂરી પાડી હતી.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ રિવ્યુ બેઠક યોજી પૂર રાહત અંગે જાહેરાતો કરી હતી. આ બેઠકમાં સરકારનો મુખ્ય ભાર પ્રભાવિત વિસ્તારોમાં ઝડપી સર્વે અને કેશડોલ ચૂકવણી પર રહ્યો છે. તેઓએ જણાવ્યુ હતું કે, પૂરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેની કામગીરી મોટાભાગની પૂર્ણ થઈ ગઈ છે. જે લોકોના ઘરમાં પાણી ભરાયા છે, તેવા લોકોને 6800 રૂપિયાની વૈકલ્પિક સહાય આપવામાં આવી છે.
સુરત શહેરમાં 250થી વધુ ટીમ આ કામગીરી કરી રહી છે. જિલ્લા કલેક્ટરથી લઈને તમામ સત્તાધીશો દ્વારા ગ્રાઉન્ડ જીરો પર સહાય કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે. વધુમાં સ્વાસ્થ્યની ટીમ ઘરે ઘરે જઈને કામગીરી કરી રહી છે. તો બીજી તરફ, 40થી વધુ લોકોના મોત અંગે તેઓએ નિવેદન આપ્યું હતું કે, આ બાબતે સંપૂર્ણ નિરીક્ષણ ચાલી રહ્યું છે. અને રીવ્યુ બેઠક બાદ તમામ માહિતી મળી શકશે.
