ભરૂચ જિલ્લાના એક મહિલા વધુ પૈસા મળવાની લાલચમાં આવી ઓનલાઈન ઠગાઈનો ભોગ બની રૂ. 60 હજાર ગુમાવી બેઠી હતી. મહિલાના ભાઈએ 181 મહિલા અભયમ હેલ્પલાઇનનો સંપર્ક કરતાં ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. તપાસ દરમિયાન મહિલાએ જણાવ્યું હતું કે, એક અજાણી મહિલાએ પોતાના ભાઈને મુંબઈ એરપોર્ટ પર અટકાયતમાં હોવાનું કહી મદદ માગી હતી, અને બદલામાં રૂ. 5 લાખ આપવાની લાલચ આપી હતી. ત્યારબાદ પોતાને પોલીસ અધિકારી ગણાવનાર વ્યક્તિએ વોટ્સએપ કોલ મારફતે અલગ-અલગ બહાનાં હેઠળ મહિલા પાસેથી રૂ. 60 હજાર પડાવ્યા હતા. 

181 અભયમ ટીમે કથિત પોલીસ અધિકારી સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કરતાં તેણે ફોન કાપી મહિલાને બ્લોક કરી દીધી હતી. જેથી ઓનલાઈન ઠગાઈનો પર્દાફાશ થયો હતો. ત્યારબાદ ટીમે મહિલાને સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવવા માર્ગદર્શન આપ્યું હતું.