ભાવનગર શહેર નજીક સ્ટેટ મોનીટરિંગ સેલ (SMC)એ મોટી કાર્યવાહી હાથ ધરી કરોડો રૂપિયાનું દુર્લભ એંબરગ્રીસ જપ્ત કર્યું છે. બુધેલ નજીકના ખાર વિસ્તારમાં પાડવામાં આવેલી રેડ દરમિયાન 4 કિલો 306 ગ્રામ એંબરગ્રીસ સાથે કુલ ₹4.31 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ કેસમાં ઇમરાન પરમાર, સાજીદખાન પઠાણ, ફૈઝાન મધરા અને શબ્બીર સૈયદ નામના ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન અભિષેક રાઠોડ અને ભરતભાઈ ભરવાડના નામ પણ સામે આવ્યા છે, જેઓ હાલ ફરાર છે અને તેમની શોધખોળ ચાલી રહી છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ એંબરગ્રીસ વેચવા માટે ગ્રાહકની શોધમાં હતા, ત્યારે જ સ્ટેટ મોનીટરિંગ સેલે બાતમીના આધારે દરોડો પાડી સમગ્ર કાવતરું નિષ્ફળ બનાવ્યું.
જપ્ત કરાયેલ એંબરગ્રીસ સ્પર્મ વ્હેલમાંથી મળતું અત્યંત કિંમતી પદાર્થ છે, જેના વેપાર પર ભારતમાં વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ પ્રતિબંધ છે. આ મામલે તમામ આરોપીઓ સામે વરતેજ પોલીસ સ્ટેશનમાં વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
