દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના અનવરપુરા ગામે પોતાના કાળજાના ટુકડા સમાન બે માસૂમ બાળકીઓને ખોળામાં લઈને એક માતાએ ગામના કૂવામાં ઝંપલાવી સામુહીક આત્મહત્યા કરી લેતા આખું ગામ આઘાતમાં સરી પડ્યું છે.

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના અનવરપુરા ગામે રહેતા 23 વર્ષીય સુનીતાબેન પપ્પુભાઈ કલારાએ કોઈ અગમ્ય કારણોસર પોતાની 3 વર્ષની દીકરી પ્રાચી અને દોઢ વર્ષની દીકરી વંશી સાથે ગામમાં આવેલા કૂવામાં છલાંગ લગાવી દીધી હતી. ત્રણેય જણા કૂવાના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ગ્રામજનોને આ અંગેની જાણ થતાં જ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને સ્થાનિક વહીવટી તંત્ર તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી.

માહિતી મળતા જ ઝાલોદ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઇટરોએ સ્થાનિક તરવૈયાઓની મદદથી કૂવામાં શોધખોળ આદરી હતી, જેમાં કલાકોની જહેમત બાદ માતા સુનીતાબેન અને બે બાળકીઓના મૃતદેહ કૂવામાંથી લોહી થીજી જાય તેવી હાલતમાં બહાર કાઢવામાં આવ્યા હતા. 23 વર્ષની નાની ઉંમરે સુનીતાબેને આટલું મોટું અને આત્મઘાતી પગલું કેમ ભર્યું? ઘરકંકાસ, આર્થિક તંગી કે અન્ય કોઈ પારિવારિક કારણ છે? તે અંગે ઝાલોદ પોલીસ દ્વારા પરિવારના સભ્યોની પૂછપરછ કરી કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.