ભરૂચ ખાણ ખનીજ વિભાગની ટીમે શુક્લતીર્થ સહિત ઝઘડિયા અને આમોદ તાલુકામાં ભુમાફિયાઓના સામે દરોડા પાડી રૂ. 3.10 કરોડથી વધુનો બિનઅધિકૃત મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગાંધીનગરના સ્પષ્ટ આદેશો અને 30 સપ્ટેમ્બર બાદ નર્મદા નદીના પટમાં રેતી ખનન પર નિયંત્રણો હોવા છતાં શુક્લતીર્થમાં ગેરકાયદેસર ધમધમતા રેતી ખનન સામે ખાણ-ખનિજ વિભાગે લાલઆંખ કરી હતી. સોમવારે ભરૂચ જિલ્લા ખાણ-ખનિજ વિભાગની તપાસ ટીમે શુક્લતીર્થ ખાતે નર્મદા નદીના પટમાં સાદી રેતી ખનીજના બિનઅધિકૃત ખનન અને સંગ્રહ સ્થળે દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન સ્થળ પરથી 3 એક્સકવેટર મશીનો, એક બાર્જ અને 2 યાંત્રિક નાવડીઓ ઝડપી પાડી સીઝ કરાઈ. કાર્યવાહીમાં દેવેન્દ્રસિંહ પરમાર અને કર્તવ્ય ઠાકોર દ્વારા ગેરકાયદેસર ખનન કરાતું હોવાની વિગતો સામે આવતાં ખનન માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.ઉપરાંત ખાણ-ખનિજ વિભાગે ઝઘડિયા તેમજ આમોદ તાલુકામાંથી સિલિકા સેન્ડ, બ્લેકટ્રેપ અને સાદી રેતીના બિનઅધિકૃત વહન બદલ 4 વાહનો પણ જપ્ત કર્યા છે. સમગ્ર ઝુંબેશ દરમિયાન તંત્ર દ્વારા કુલ રૂ. 3.10 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરાઈ છે.