અલનીનોની અસર અને વરસાદની ઘટ વચ્ચે સારા સમાચાર એ છે કે, ગુજરાતમાં હવે ધીરે ધીરે વરસાદનું જોર વધશે, એક સાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ થતાં રાજ્યમાં મધ્યમ વરસાદના સંકેત હવામાન વિભાગે આપ્યાં છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યમાં ત્રણ મહત્વપૂર્ણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી 5 દિવસ તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અમૃતસરથી પસાર થતી મોનસૂન ટ્રફના પ્રભાવથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી ગતિવિધિઓમાં વધારો થવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.
રાજ્યમાં આગામી એક સપ્તાહ દરમિયાન સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન ટ્રફ એમ ત્રણેય હવામાન પ્રણાલીઓ સક્રિય હોવાથી તેમની સંયુક્ત અસરના ભાગરૂપે વરસાદી માહોલ જળવાઈ રહેવાની શક્યતા છે.
અલનીનોની અસરના કારણે આ વર્ષે ચોમાસામાં વરસાદની ઘટ વર્તાઇ રહી છે. ચોમાસાનો દોઢ મહિનો વિતી ગયો છતાં પણ રાજ્યમાં સારો વરસાદ નથી વરસ્યો અનેક જિલ્લામાં હજુ પણ વાવણી નથી.રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 4.68 ઈંચ (117 મીમી) વરસાદ નોંધાયો છે, જ્યારે આ સમયગાળા દરમિયાન સામાન્ય રીતે 9.80 ઈંચ (245 મીમી) વરસાદ થવો જોઈએ. એટલે કે રાજ્યમાં અત્યાર સુધી સામાન્યની સરખામણીએ 31 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. જો કે આગામી દિવસોમાં વરસાદની ગતિવિધિ વધવાની શક્યતા હોવાથી વરસાદની આ ખાધમાં ઘટાડો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
