ભરૂચમાં પશ્ચિમ બંગાળના મૂર્તિકારો દ્વારા પાવન સલીલા માં નર્મદાની માટીમાંથી શ્રીજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જે ગણેશ મંડળોની પહેલી પસંદ બની છે
ગણેશ મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભરૂચમાં ગણપતિ બાપ્પાની મૂર્તિઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. શ્રવણ ચોકડી નજીક છેલ્લા 15 વર્ષથી બંગાળી કારીગરો નર્મદા નદીની પવિત્ર માટી અને કુદરતી સામગ્રીમાંથી ઈકો ફ્રેન્ડલી ગણપતિ મૂર્તિઓ તૈયાર કરી રહ્યા છે. આ મૂર્તિઓ આસ્થા સાથે પર્યાવરણ સંરક્ષણનો પણ સંદેશ આપી રહી છે.શ્રવણ ચોકડી વિસ્તારમાં હાલ ગણપતિ બાપ્પાની વિવિધ કદ અને આકારની મૂર્તિઓ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. પશ્ચિમ બંગાળથી આવેલા કારીગરો દિવસ-રાત મહેનત કરીને મૂર્તિઓને અંતિમ સ્વરૂપ આપી રહ્યા છે. નર્મદાની માટી, ઘાસ અને લાકડાના કુદરતી ઢાંચા જેવી સામગ્રીનો ઉપયોગ કરીને મૂર્તિઓ તૈયાર કરવામાં આવે છે.ખાસ વાત એ છે કે કુદરતી સામગ્રીમાંથી તૈયાર થતી આ મૂર્તિઓ વિસર્જન બાદ સરળતાથી વિઘટિત થઈ શકે છે. જેના કારણે જળપ્રદૂષણનું જોખમ ઘટે છે અને નદીના જળચર જીવોને પણ નુકસાન ન થાય તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભરૂચમાં નર્મદાની માટીથી ઈકો ફ્રેન્ડલી ગણપતિ મૂર્તિઓ બનાવવાની પરંપરા સાથે આ વર્ષે પણ ભક્તોમાં તેનો સારો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.