સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ કામગીરી કરાય

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ઇન્ટરલિંકિંગ સિસ્ટમનું નિર્માણ

લાખો ક્યુબિક ફીટ વરસાદી પાણીના વેડફાટમાં નિયંત્રણ

41 તળાવોને પરસ્પર જોડીને વરસાદી જળનું સંચય

જળ સંચય મોડેલ શહેરી વિકાસનું ઉત્તમ ઉદાહરણ બન્યું

સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ અમદાવાદ શહેરમાં લાખો ક્યુબિક ફીટ વરસાદી પાણી વેડફાતું અટકવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશને અનોખી ઇન્ટરલિંકિંગ સિસ્ટમનું નિર્માણ કર્યું છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ‘કેચ ધ રેઇન’ અને ‘સુજલામ સુફલામ જળ અભિયાન’ હેઠળ શહેરના ૪૧ તળાવોને પરસ્પર જોડીને વરસાદી જળ સંચયનું એક વિશિષ્ટ નેટવર્ક તૈયાર કર્યું છે. આ ઇન્ટરલિંકિંગ સિસ્ટમથી લાખો ક્યુબિક ફીટ વરસાદી પાણી વેડફાતું અટકશે, ભૂગર્ભ જળસ્તર ઊંચા આવશે અને ચોમાસા દરમિયાન જળ ભરાવની સમસ્યામાંથી મુક્તિ મળશે. અમદાવાદમાં વરસાદી પાણીના મહત્તમ સંગ્રહ માટે ૪૧ તળાવોને પાઇપલાઇન મારફતે એકબીજા સાથે જોડવામાં આવ્યા છે. આ સિસ્ટમ હેઠળ, એક તળાવ સંપૂર્ણ ભરાઈ જતાં જ વધારાનું પાણી આપોઆપ બીજા તળાવમાં ટ્રાન્સફર થઈ જશે.

જોકે, આ નેટવર્કના કારણે શહેરની જળ સંગ્રહ ક્ષમતામાં ધરખમ વધારો થયો છે. આ ઉપરાંત, અન્ય ૩૨ તળાવોને જોડવાની કામગીરી અત્યારે પ્રગતિમાં છે અને વધુ ૧૭ તળાવો માટે પણ આયોજન હાથ ધરાયું છે. આ પ્રકલ્પથી ભૂગર્ભ જળસ્તર સુધરવાની સાથે ઓછી ઊંડાઈએ પાણી ઉપલબ્ધ બનશે. તેમજ, જળ ભરાવનું જોખમ ઘટશે અને આ તળાવો નાગરિકો માટે સુંદર મનોરંજન કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળનું આ જળ સંચય મોડેલ માત્ર એક એન્જિનિયરિંગ પ્રકલ્પ નથી, પરંતુ ટકાઉ શહેરી વિકાસનું ઉત્તમ ઉદાહરણ છે. અમદાવાદનું આ વિઝનરી આયોજન આવનારા સમયમાં સમગ્ર દેશ માટે એક પ્રેરણાદાયી બ્લૂપ્રિન્ટ સાબિત થશે.