વાવ-થરાદ પંથકમાંથી મહિલા સુરક્ષા અને ન્યાય પ્રક્રિયાને લઈને એક ખૂબ જ મોટો અને દાખલારૂપ ચુકાદો સામે આવ્યો છે. માસુમ સગીરાને પ્રેમની જાળમાં ફસાવી તેની સાથે દુષ્કર્મ આચરનાર બે નરાધમોને થરાદની સ્પેશિયલ પોક્સો અદાલતે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે.

ઘટનાની વિગતો મુજબ, બંને આરોપીઓએ માસુમ સગીરાને લલચાવી-ફોસલાવીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ સગીરા સાથે હેવાનિયત ભર્યું દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ મામલે ભોગ બનનાર સગીરા અને તેના પરિવારે હિંમત દાખવીને માવસરી પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. માવસરી પોલીસે ગુનો દાખલ કરીને તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી આરોપીઓને જેલહવાલે કર્યા હતા.

કેસ થરાદની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલવા ઉપર આવતા, સરકારી વકીલની ધારદાર દલીલો અને પોલીસ દ્વારા રજૂ કરાયેલા મજબૂત પુરાવા ધ્યાને રાખી અદાલતે બંને આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. કોર્ટે બંને નરાધમોને 20 વર્ષની સખત કેદ અને કુલ 2 લાખ રૂપિયાનો આકરો દંડ ફટકાર્યો છે. એટલું જ નહીં, કોર્ટે માનવતાવાદી અભિગમ દાખવી આદેશ કર્યો છે કે આરોપીઓ જો દંડની રકમ ભરે તો તેમાંથી 1 લાખ 75 હજાર રૂપિયા ભોગ બનનાર સગીરાને વળતર પેટે આપવામાં આવશે.