ભરૂચ જિલ્લાના વાગરા-ચાંચવેલ બ્રિજ પર ભયાનક દુર્ઘટના સર્જાય હતી. ભારદારી ટ્રક પુલ પરથી ખાડીમાં ખાબક્યો હતો, જ્યાં રેસ્ક્યુ દરમિયાન એક મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ચાંચવેલ ગામ નજીક આવેલા બ્રિજ પર ગત ગુરુવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ભારદારી ટ્રક અચાનક બ્રિજ પરથી નીચે ખાડીમાં ખાબકતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. અકસ્માતની જાણ થતાં જ વાગરા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બચાવ અને તપાસની કામગીરી હાથ ધરી હતી.
દુર્ઘટનાના સમાચાર વાયુવેગે ફેલાતા મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. ટ્રક બ્રિજ પરથી સીધો નીચે પટકાતા અકસ્માતની ગંભીરતા સ્પષ્ટ દેખાઈ રહી હતી. બચાવ કામગીરી માટે ONGCની ફાયર ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર કર્મચારીઓ અને પોલીસ દ્વારા સંયુક્ત રીતે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
ભારે વજનના ટ્રકને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી. રેસ્ક્યુ દરમિયાન જ્યારે ક્રેનની મદદથી ટ્રકને ઊંચો કરવામાં આવ્યો ત્યારે તેની નીચેથી એક મૃતદેહ મળી આવતા સમગ્ર ઘટનાએ વધુ ગંભીર વળાંક લીધો હતો. મૃતકની ઓળખ અને અકસ્માતની ચોક્કસ પરિસ્થિતિ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી, ત્યારે હાલ તો વાગરા પોલીસ દ્વારા દુર્ઘટનાને લઈને સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.
