દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદે સર્જી તારાજી

ધોધમાર વરસાદથી ખેતીનો પાક પણ ધોવાયો

15 દિવસના વિરામ બાદ મેઘરાજાની તોફાની એન્ટ્રી

ખેતરો જળબંબાકાર થતા પાકના મૂળ સડવાની શરૂઆત

દક્ષિણ ગુજરાતના ખેડૂતોની ચિંતામાં થયો વધારો

દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક ભારે વરસાદના કારણે હવે ખેડૂતો માથે મોટું સંકટ આવી પડ્યું છે. અંદાજીત 15 દિવસ કરતા પણ વધુ સમય સુધી વરસાદ ખેંચાયા બાદ, એકાએક જ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. જેના કારણે કપાસ અને તુવેર જેવા મુખ્ય પાકોને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. અલ નિનોની અસરના કારણે લાંબા વિરામ બાદ વરસેલા ભારે વરસાદથી દક્ષિણ ગુજરાતના મોટાભાગના ખેતરો જળબંબાકાર થઈ ગયા છે. ખેતરોમાં ગોઠણસમા પાણી ભરાઈ રહેતા કપાસ અને તુવેરના પાકમાં મૂળ સડી જવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. જેને લીધે પાક સંપૂર્ણપણે નિષ્ફળ જવાની શક્યતા વધી ગઈ છે.

ખેડૂતોની આ વિષમ પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા ખેડૂત અગ્રણી જયેશ દેલાડે જણાવ્યું છે કે, ‘અગાઉ વરસાદ ખેંચાવાથી પાક સુકાઈ રહ્યો હતો, અને હવે એક સાથે પડેલા ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ જતાં મૂળ સડી રહ્યા છે. આ પરિસ્થિતિ ખેડૂતો માટે ‘આસમાનમાંથી ટપક્યા ને ખજૂરમાં અટક્યા’ જેવી બની છે. જોકે, આ મુશ્કેલ સમય વચ્ચે શેરડીનો પાક લેતા ખેડૂતો માટે એક રાહતના સમાચાર પણ સામે આવ્યા છે. ચોમાસાના આ ભારે વરસાદના કારણે શેરડીના પાકને નુકસાન પહોંચાડતી ‘વાયટ ફ્લાય’ એટલે કે ‘સફેદ માખી’નો ઉપદ્રવ નોંધપાત્ર રીતે ઘટી જશે. જેથી આ વર્ષે શેરડીનું ઉત્પાદન સારું રહેવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.