અંકલેશ્વરના વ્રજભૂમિ બંગ્લોઝ ખાતે રહેતા અને ગુજરાત હાઇકોર્ટના જાણીતા ધારાશાસ્ત્રી નિકુંજકુમાર ડી. કાનાણી સાથે 13 ફેબ્રુઆરી 2023ના રોજ બનેલી એક ગંભીર ઘટનામાં કોર્ટે મહત્વનો હુકમ કર્યો છે.
મળતી માહિતી મુજબ, કારમાં આવેલા ત્રણ ઇસમો રાજેન્દ્રસિંહ કેસરીસિંહ ચૌહાણ, જયેન્દ્રસિંહ કેસરીસિંહ ચૌહાણ અને ચંદ્રસિંહ કેસરીસિંહ ચૌહાણ દ્વારા વકીલની ગાડીનો પીછો કરી, તેમના ઘર નજીક જાહેરમાં ગાળો આપી, માર મારી તથા બળજબરીપૂર્વક ગાડીમાં નાખી અપહરણ કરવાનો અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે સીટી પોલીસ સ્ટેશન, ડી.વાય.એસ.પી., જિલ્લા એસ.પી., કલેક્ટર, તેમજ ગૃહમંત્રી અને મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરવા છતાં કોઈ યોગ્ય પોલીસ કાર્યવાહી ન થતાં, એડવોકેટ નિકુંજ કાનાણીએ અંકલેશ્વરની કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.
છેલ્લા 3 વર્ષથી ચાલતી કાનૂની લડાઈ બાદ, અંકલેશ્વરની ત્રીજા એડી. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે તા.18/07/2026ના રોજ આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ક્રિમિનલ કેસ નોંધવાનો અતિ મહત્વનો હુકમ કર્યો છે.
સમાજના પીડિતોને ન્યાય અપાવા માટે લડતા વકીલો પર આવા વધી રહેલા હુમલાઓને ધ્યાને રાખી વકીલ આલમમાં સુરક્ષા કાયદો બનાવવાની માંગ પણ ઉઠી રહી છે.
