62મી ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી મેડલ પ્રાપ્ત કરનાર ભરૂચ જિલ્લાના શૂટરોને જિલ્લા કલેક્ટર ડૉ. નવનાથ ગવહાણે (IAS) એ જિલ્લા રાઇફલ એસોસિએશનની મુલાકાત દરમિયાન અભિનંદન પાઠવ્યા હતા.
ભરૂચ જિલ્લા કલેક્ટર ડૉ. નવનાથ ગવહાણેએ 62મી ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી મેડલ પ્રાપ્ત કરનાર ભરૂચ જિલ્લાના શૂટરો (ખેલાડીઓ) સાથે મુલાકાત કરી હતી. જેમાં ધનવીર રાઠોડે 2 ગોલ્ડ, ધ્વિજા બેરાવાલાએ 3 ગોલ્ડ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ, સાનવી ગાયકવાડે 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ, વિધિ ચાવડાએ 1 સિલ્વર, અંશિકા રાજપુતે, હિના પટેલે તથા ધ્યુતિ જાનીએ 1 બ્રોન્ઝ મેડલ મેળવી ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે, ત્યારે જિલ્લા કલેક્ટરએ ખેલાડીઓની સિદ્ધિઓની પ્રશંસા કરી અને ભવિષ્યમાં રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ વધુ સફળતા પ્રાપ્ત કરવા માટે શુભેચ્છા તથા પ્રોત્સાહન આપ્યું હતું.
જિલ્લા કલેક્ટરએ પરિવાર સાથે શૂટિંગ રેન્જની મુલાકાત લઈ એકેડેમીની કામગીરી નિહાળી હતી. આ દરમિયાન તેમણે આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના શૂટરો સાથે વ્યક્તિગત વાતચીત કરી તેમની તાલીમ, તૈયારી અને રમત પ્રત્યેના સમર્પણ વિશે જાણકારી મેળવી હતી. તેઓએ જણાવ્યું હતું કે, શૂટિંગ જેવી રમત યુવાનોમાં શિસ્ત, ધૈર્ય અને એકાગ્રતા વિકસાવે છે અને વધુમાં વધુ યુવાનો આ રમત સાથે જોડાય તે સમયની જરૂરિયાત છે. આ તમામ ખેલાડીઓએ કોચ મિત્તલ ગોહિલના માર્ગદર્શન હેઠળ આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
જિલ્લા રાઇફલ એસોસિએશનના પ્રમુખ અરુણસિંહ રાણા તથા સેક્રેટરી અજય પંચાલના સતત સહયોગ અને માર્ગદર્શનથી જિલ્લાના શૂટરો રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ સતત સફળતા પ્રાપ્ત કરી રહ્યા છે. જોકે, આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટરએ શૂટિંગનો પણ અનુભવ લીધો હતો, અને ખેલાડીઓના ઉત્સાહ વચ્ચે નિશાનબાજી કરી હતી. તેમણે ભરૂચ જિલ્લામાં શૂટિંગ રમતના વિકાસ માટે જરૂરી સહયોગની ખાતરી આપતાં તમામ મેડલ વિજેતા ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
