ભરૂચની યુવતી સાથે દુષ્કર્મ

મુંબઈમાં મૌલવીએ દુષ્કર્મ આચર્યું

ઉચ્ચ અભ્યાસની લાલચ આપી

ફોટા વાયરલ કરવાની આપી ધમકી

પોલીસે આરોપીની કરી ધરપકડ

ભરૂચની 22 વર્ષીય યુવતીને ઉચ્ચ શિક્ષણની લાલચ આપી મુંબઈ લઈ જઈ 55 વર્ષીય મૌલવીએ તેની સાથે દુષ્કર્મ આચરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.પોલીસે નરાધમ મૌલવીની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મુંબઈ સ્થિત એક ઇસ્લામિક સંસ્થાના ટ્રસ્ટી અને સંચાલક મુફ્તી અલાઉદીન અબ્દુલ ગફ્ફાર અન્સારી સામે ભરૂચની 22 વર્ષની યુવતી સાથે મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધવા અને ધમકી આપવાની પોલીસ ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

55 વર્ષીય આરોપી અલાઉદીન અબ્દુલ ગફ્ફાર અન્સારીએ ભોગ બનનારના ભાઈના મોબાઇલમાં તેના ફોટા જોયા બાદ તેની ઉપર ખરાબ નજર રાખી હતી અને શારીરિક સંબંધ બાંધવાના ઇરાદાથી યોજના બનાવી હતી. આરોપ છે કે તેણે ભોગ બનનારના પરિવારનો વિશ્વાસ જીતવા માટે તેના પિતાને યુવતીના ધાર્મિક શિક્ષણ અને કોલેજના અભ્યાસનો ખર્ચ ઉઠાવવાની વાત કરી હતી.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, યુવતીને આરોપીની મદરેસામાં અભ્યાસ માટે મોકલવામાં આવી હતી, જ્યાં આરોપીએ તેની સાથે તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો અને દુષ્કર્મ આચર્યું હતું.સાથે જ મૌલવીએ  ભરૂચના નબીપુર વિસ્તારમાં આવી આરોપીએ યુવતીને પોતાની સાથે આવવા દબાણ કર્યું હતું અને નિકાહનામું હોવાનો દાવો કરીને ધમકી આપી હતી. તેમજ યુવતીના ફોટા વાયરલ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.સમગ્ર મામલે મહિલા પોલીસ મથકમાં ગુનો નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.