ઉત્તર ભારતમાં પવિત્ર શ્રાવણ માસનો થયો પ્રારંભ

પ્રથમ સોમવારે નીલકંઠેશ્વર મંદિરે ઘોડાપૂર ઊમટ્યું

કાવડયાત્રીઓ પવિત્ર નર્મદાનું જળ લેવા પહોચ્યા

નવીનીકરણના કારણે હાલ નર્મદા ઘાટ બંધ રખાયો

વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કાવડયાત્રીઓ દ્વારા માંગ

ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે આવેલ નર્મદા ઘાટ નવીનીકરણ અને નિર્માણની ચાલતી કામગીરીના પગલે ઘાટ બંધ હોવાથી કાવડયાત્રીઓમાં નારાજગી વ્યાપી છે.

ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત પવિત્ર નર્મદા તટ પર આવેલ શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે માત્ર ભરૂચ જ નહીં, પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. હાલ ઉત્તર ભારતમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે આજે પહેલા સોમવારે મોટી સંખ્યામાં કાવડયાત્રીઓ  નીલકંઠેશ્વર મંદિરે પહોંચ્યા હતા. જોકે, અહીં નર્મદા ઘાટ બંધ હોવાથી કાવડયાત્રીઓએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી.

છેલ્લા કેટલાક મહિનાઓથી નીલકંઠેશ્વર મંદિરના નર્મદા ઘાટના નવીનીકરણ અને નિર્માણની કામગીરી ચાલી રહી છે. જેના કારણે નર્મદા ઘાટ હાલ બંધ રાખવામાં આવ્યો છે. સોમવારે જ્યારે કાવડયાત્રીઓ વાજતે ગાજતે પવિત્ર જળ લેવા પહોંચ્યા, ત્યારે ઘાટ બંધ હોવાના કારણે તેઓને નર્મદા મૈયાનું જળ પ્રાપ્ત થઈ શક્યું નહોતું, જેને લઈને કાવડયાત્રીઓમાં નિરાશા જોવા મળી હતી. જોકે, આગામી દિવસોમાં ગુજરાતમાં પણ શ્રાવણ માસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે આ પવિત્ર દિવસોમાં હજારોની સંખ્યામાં લોકો નર્મદા સ્નાન કરી મહાદેવના દર્શન માટે ઉમટી પડતા હોય છે.

આ સ્થિતિને ધ્યાનમાં રાખીને કાવડયાત્રીઓ અને શ્રદ્ધાળુઓ દ્વારા વહીવટી તંત્ર સમક્ષ પ્રબળ લોકમાગ કરવામાં આવી છે કે, ઘાટની ચાલી રહેલી કામગીરી વચ્ચે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવે. નર્મદા નદીના નીર સુધી સરળતાથી પહોંચી શકાય તેવો કોઈ યોગ્ય નિકાલ કરવામાં આવે, જેથી કાવડયાત્રીઓ પવિત્ર નર્મદા જળ મેળવીને પોતાની કાવડ યાત્રા નિર્વિઘ્ન શરૂ કરી શકે.