કૌશલ્ય વિકાસ મિશનની મોટી સફળતા
ITI યુવાનો ‘ન્યૂ એજ’ કોર્સ થકી બન્યા આત્મનિર્ભર
AI, ડ્રોન અને EV કોર્સ પૂર્ણ કરતા યુવાનો
90 ટકાથી વધુ યુવાનોને મળ્યું કંપની પ્લેસમેન્ટ
ગાંધીનગર સહિત રાજ્યની ITI બન્યા સ્કિલ ઝોન
ગુજરાત સરકારના કૌશલ્ય વિકાસ મિશન થકી રાજ્યના હજારો યુવાનો આધુનિક ક્ષેત્રોમાં તાલીમ મેળવીને આત્મનિર્ભર બની રહ્યા છે. ગાંધીનગર સહિત રાજ્યની ITIમાં ‘ઇલેક્ટ્રિક વ્હીકલ’, ‘AI’ અને ‘ડ્રોન ટેકનોલોજી’ જેવા ‘ન્યૂ એજ’ કોર્સ પૂર્ણ કરનારા 90 ટકાથી વધુ યુવાનોને અભ્યાસ પૂર્ણ થતાં જ પ્રતિષ્ઠિત કંપનીઓમાં પ્લેસમેન્ટ મળી રહ્યું છે.
ગુજરાત સરકારના કૌશલ્ય વિકાસ કાર્યક્રમો આજે રાજ્યના યુવાનોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી રહ્યા છે. ITI અને સ્કિલ મિશન હેઠળ પ્રશિક્ષણ મેળવીને યુવાનો રોજગાર અને સ્વરોજગાર ક્ષેત્રે સફળતા પૂર્વક આગળ વધી રહ્યા છે.યોગ્ય કૌશલ્ય અને ઇન્ડસ્ટ્રી એક્સપોઝર મેળવીને યુવાનો રોજગાર તેમજ સ્વરોજગારના ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરી રહ્યા છે.
બદલાતા સમય સાથે તાલ મિલાવવા રાજ્યની 70થી વધુ ITIમાં AI, ડ્રોન, ઇલેક્ટ્રિક વ્હીકલ, સોલર ટેક્નોલોજી અને 3D પ્રિન્ટીંગ જેવા 11 ‘ન્યૂ એજ’ કોર્સ શરૂ કરાયા છે. આધુનિક લેબ અને પ્રેક્ટિકલ ટ્રેનિંગના પરિણામે, ગાંધીનગરની કુબેરનગર ITIમાંથી આ વર્ષે ઉત્તીર્ણ થયેલા 1,436 માંથી 1238 તાલીમાર્થીઓને વિવિધ ક્ષેત્રોમાં માસિક રૂપિયા 14000 સુધીના વેતન સાથે સીધું પ્લેસમેન્ટ મળ્યું છે.
નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન, સક્ષમ-KVK 2.0 અને PMKVY જેવી યોજનાઓ થકી યુવાનોને ઉદ્યોગોની વર્તમાન જરૂરિયાતો મુજબ સક્ષમ બનાવાઈ રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં કૌશલ્ય અને નવાચાર દ્વારા યુવાશક્તિને આત્મનિર્ભર બનાવી વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનો સંકલ્પ સાકાર થઈ રહ્યો છે.
