રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તથા જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની કચેરીના સંયુક્ત ઉપક્રમે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ધાબા ગ્રાઉન્ડ, રાજપીપળા ખાતે જિલ્લા કક્ષાની એથલેટિક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધામાં નર્મદા જિલ્લાના નાંદોદ, તિલકવાડા, ગરુડેશ્વર, સાગબારા, ડેડીયાપાડા અને ચીકદા તાલુકાના અન્ડર-14, અન્ડર-17 અને અન્ડર-19 ભાઈઓ-બહેનો સહિત આશરે 500 જેટલા યુવા ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિવિધ એથલેટિક્સ સ્પર્ધાઓમાં ખેલાડીઓએ પોતાની ઝડપ, શક્તિ, કૌશલ્ય, પ્રતિભા અને રમતગમતની શિસ્તનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી મેદાનમાં જોરદાર ઉત્સાહ જગાવ્યો હતો.
સ્પર્ધાનો પ્રારંભ રાષ્ટ્રીય કક્ષાના તિરંદાજ અને જિલ્લા રમત ગમત અધિકારી દિનેશ ભીલ દ્વારા કરવામાં આવ્યો હતો. તેમણે ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, આજનો ખેલાડી આવતીકાલનો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વિજેતા બની શકે છે. વર્ષ 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સને લક્ષ્ય બનાવી આજથી જ શિસ્તબદ્ધ તાલીમ, સખત મહેનત અને સતત પ્રેક્ટિસ કરો તથા નર્મદા જિલ્લાનું નામ દેશ-દુનિયામાં રોશન કરો.
આ પ્રસંગે જિલ્લા રમત ગમત અધિકારીએ ખેલાડીઓ તથા વાલીઓને ગુજરાત સરકાર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રમતવીરોના સર્વાંગી વિકાસ માટે અમલમાં મૂકાતી વિવિધ યોજનાઓ અને તાલીમ સુવિધાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. જેમાં D.L.S.S., શક્તિદૂત યોજના, સેન્ટર ઓફ એક્સલન્સી તેમજ નિવાસી અને બિનનિવાસી તાલીમ યોજનાઓ સહિતની વિવિધ તકો અંગે માહિતી આપવામાં આવી હતી.
જિલ્લા કક્ષાની આ એથલેટિક્સ સ્પર્ધા જિલ્લાના ગ્રામ્ય અને તાલુકા કક્ષાના ખેલાડીઓમાં છુપાયેલી રમતગમતની પ્રતિભાને ઓળખી તેને યોગ્ય તાલીમ અને માર્ગદર્શન દ્વારા રાજ્ય, રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડવા માટે મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બની રહી છે.
500 જેટલા યુવા ખેલાડીઓની ઉત્સાહભેર ઉપસ્થિતિથી સમગ્ર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં રમતગમતની ઉર્જા અને ઉત્સાહનો માહોલ છવાયો હતો. ખેલાડીઓએ વિવિધ રમતોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી પોતાની પ્રતિભાની ઝલક રજૂ કરી હતી.
