ભાવનગરની ‘સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ’ (CSMCRI)ના વૈજ્ઞાનિકોએ દૂષિત પાણીને શુદ્ધ કરી ખેતી અને બાગાયત માટે ઉપયોગી બનાવતી ક્રાંતિકારી ‘સ્માર્ટ વેટલેન્ડ સિસ્ટમ’ વિકસાવી છે. ન્યૂનતમ વીજળી અને અત્યંત ઓછા જાળવણી ખર્ચે સીવેજ તેમજ ખારા પાણીને શુદ્ધ કરતી આ પદ્ધતિ દેશના દરિયાકાંઠાના વિસ્તારો અને ગ્રામીણ વિસ્તારોમાં જળસંકટનો કાયમી ઉકેલ બની શકે છે.

ભાવનગર મહાનગરપાલિકાના સહયોગથી કુંભારવાડા વિસ્તારમાં સ્થાપિત આ પ્લાન્ટ વનસ્પતિ, સૂક્ષ્મજીવાણુઓ અને ઇલેક્ટ્રો-એક્ટિવ ટેક્નોલોજીના સમન્વયથી ગંદા પાણીને પુનઃઉપયોગી બનાવી રહ્યો છે, જે આધુનિક જળસંરક્ષણનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે. આ પ્રણાલીમાં એનારોબિક ઝોન, મીડિયા ફિલ્ટરેશન, ઇલેક્ટ્રો-એક્ટિવ વેટલેન્ડ, ‘કેન્ના ઇન્ડિકા’ વનસ્પતિ આધારિત પ્રાકૃતિક શુદ્ધિકરણ અને પોલિશિંગ ઝોન એમ પાંચ તબક્કામાં પાણી શુદ્ધ થાય છે.

જોકે, 15 વર્ષથી વધુ સમય સુધી કાર્યક્ષમ રહેતી આ ટકાઉ પદ્ધતિ ‘બ્લેક’ અને ‘ગ્રે’ વોટરના શુદ્ધિકરણ માટે અત્યંત કિફાયતી હોવા ઉપરાંત સ્વચ્છ જળ તેમજ સેનિટેશન જેવા વૈશ્વિક લક્ષ્યોને પણ સિદ્ધ કરે છે. વિજ્ઞાન અને પ્રકૃતિના અનોખા સંગમથી દૂષિત પાણીને અમૂલ્ય જળસંપત્તિમાં પરિવર્તિત કરતું આ મૉડેલ ભાવિ પેઢીને જળસંકટમુક્ત અને હરિયાળું ભવિષ્ય આપવા તરફનું એક સચોટ પગલું છે.