ભરૂચ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા રોજગારવાંચ્છુ યુવાનોને ખાનગી ક્ષેત્રમાં રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવાના હેતુથી ડૉ.બી.આર.આંબેડકર હોલ ભરૂચ ખાતે ઔદ્યોગિક રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભરતીમેળામાં ભરૂચ અને આસપાસના વિસ્તારની ખ્યાતનામ ૨૧ કંપનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ ભરતીમેળામાં મેઘમણી, સિગાચી, યોકોહામા, એસબીઆઈ લાઈફ ઇન્સ્યોરન્સ, અને સનફાર્મા જેવી દેશની અગ્રણી કંપનીઓના પ્રતિષ્ઠિત નોકરીદાતાઓએ ભાગ લીધો હતો. આ તકે, ટેકનિશિયન, આસિસ્ટન્ટ ઓપરેટર, એન્જિનિયર, સાઈટ ઇન્ચાર્જ, સુપરવાઈઝર, ટ્રેઈની અને એપ્રેન્ટિસ જેવી વિવિધ જગ્યાઓ માટે રૂબરૂ ઇન્ટરવ્યુ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. નોકરીદાતાઓએ ઉપલબ્ધ ખાલી જગ્યાઓ, પગારધોરણ, કારકિર્દીની તકો તેમજ અન્ય સુવિધાઓ અંગે ઉમેદવારોને વિગતવાર માહિતી આપી હતી. ત્યારબાદ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા.

આ ભરતીમેળા દરમિયાન ૧૦૭ મહિલા ઉમેદવારો અને ૪૭૫ પુરુષ ઉમેદવારો મળીને કુલ ૫૧૧ ઉમેદવારોની સ્થળ પર જ પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભરૂચના  સાંસદ સભ્ય મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી તથા ઝગડીયાના ધારાસભ્ય રીતેશ વસાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ નોકરીદાતાઓ અને રોજગારવાંચ્છુ યુવાનોને પ્રોત્સાહક તથા પ્રેરક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.