વલસાડ ખાતે રેલવે વિભાગ દ્વારા તારીખ 21મી ઓગષ્ટથી ત્રણ દિવસ માટે સિગ્નલ અપગ્રેડિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.રેલવે તંત્ર દ્વારા મુસાફરોની સુરક્ષા અને ટ્રેનોના સમયસર સંચાલન માટે જૂની ‘રૂટ રિલે ઇન્ટરલોક સિસ્ટમ’ને હટાવીને નવી અને અત્યાધુનિક ‘ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ સિસ્ટમ’ રજૂ કરવામાં આવી રહી છે. આ શિફ્ટિંગની પ્રક્રિયા સતત 3 દિવસ સુધી ચાલુ રહેશે.આ કામગીરીનો આખરી તબક્કો રવિવારના રોજ પૂર્ણ થશે. જેને પગલે રવિવારે રેલવે વ્યવહાર પર તેની મોટી અસર જોવા મળશે. આ દરમિયાન અનેક ટ્રેનોને સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે, જ્યારે કેટલીક ટ્રેનોને શોર્ટ-ટર્મિનેટ કરવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત, લોંગ રૂટની ટ્રેનોના સમયપત્રકમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે.
