પાટણના મહાદેવપુરા ગામના ધૂળિયા મેદાનમાંથી નીકળેલી દીકરીઓએ ફૂટબોલના દમ પર રૂઢિચુસ્ત પરંપરાઓની સાંકળ તોડી રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું નામ રોશન કર્યું છે. જ્યાં ક્યારેક દીકરીઓ માટે શિક્ષણ અને રમત માત્ર સ્વપ્ન સમાન હતા, ત્યાં એક સમર્પિત શિક્ષકના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલી આ દીકરીઓ આજે મેડલ જીતીને સમાજમાં ક્રાંતિ લાવી રહી છે.

વર્ષ 2010માં પ્રાથમિક શિક્ષક રંગતજી ઠાકોરે ટીવી અને મોબાઈલના માધ્યમથી જાતે ફૂટબોલ શીખીને ગામની દીકરીઓને નિઃશુલ્ક તાલીમ આપવાની શરૂઆત કરી હતી. ગુજરાત પોલીસ તરફથી મળેલા ફૂટબોલ અને ‘ખેલ મહાકુંભ’ના પ્રોત્સાહનથી શરૂ થયેલી આ સફરમાં 100થી વધુ દીકરીઓ જોડાઈ, જેમાંથી 52 ખેલાડીઓ આજે રાષ્ટ્રીય સ્તર સુધી પહોંચી ચૂકી છે.

સામાન્ય ખેડૂત પરિવારની દીકરી કમુબેન ઠાકોર અભ્યાસની સાથે રાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને દર મહિને રૂપિયા 4500ની શિષ્યવૃત્તિ મેળવી રહી છે. જ્યારે માત્ર 13 વર્ષની ઉંમરે રમત શરૂ કરનાર ભાવના ઠાકોરે અજમેર ખાતે યોજાયેલી રાષ્ટ્રીય સ્પર્ધામાં રજતચંદ્રક હાંસલ કર્યો છે. આ ટીમે રાજ્ય કક્ષાની 60 જેટલી સ્પર્ધાઓ જીતવાની સાથે 20 જેટલા રાષ્ટ્રીય મેડલ પણ પોતાના નામે કર્યા છે.

મહાદેવપુરાનું આ મેદાન આજે દીકરીઓના આત્મવિશ્વાસ, શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્યનું પ્રતીક બની ગયું છે. આ દીકરીઓએ સાબિત કરી દીધું છે કે જો યોગ્ય તક અને સાચું માર્ગદર્શન મળે, તો ગ્રામીણ વિસ્તારની દીકરીઓ પણ પોતાનું નસીબ જાતે ઘડી શકે છે.