અંકલેશ્વર વિસ્તારમાં વર્ષ 2024ના રોજ સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને સ્પેશિયલ પોક્સો કોર્ટે 20 વર્ષ સખત કેદની સજાનો હુકમ અને 50 હજારનો દંડ ફટકાર્યો છે અને દંડના ભરે તો પાંચ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.
અંકલેશ્વર વિસ્તારમાં ગત તા 19.એપ્રિલ 2024ના રોજ આરોપી વિજય મનુ પરમારે સગીરાને પોતાના મકાનના ધાબા ઉપર બોલાવી બળજબરી પૂર્વક સગીરાની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધતા તે સમયે સગીરાના માતાપિતા આવી જતા આરોપી વિજય પરમારને પકડી પાડયો હતો અને તેની વિરુદ્ધ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસે અંકલેશ્વરના નામદાર એડિશનલ ડીસ્ટ્રીક એન્ડ સેસન્સ જજ અને સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ એસ.પી રાહતકરની કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.આ કેસમાં સરકારી વકીલ પિયુષ રાજપૂતે 47 જેટલા દસ્તાવેજી પુરાવાઓ તથા 13 મૌખિક પુરાવાઓ રજુ કર્યા હતા.આ કેસ ચાલી જતા સરકારી વકીલ પિયુષ રાજપૂતની દલીલો અને પુરાવાઓને ગ્રાહ્ય રાખી નામદાર સ્પેશિયલ પોક્સો અને એડિશનલ સેસન્સ જજ એસ.પી રાહતકરે પોક્સો એક્ટની કલમો હેઠળ આરોપી વિજય પરમારને તકસીરવાર ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા ફરમાવી હતી અને રૂ 50 હજારનો દંડનો હુકમ કર્યો હતો અને દંડ ન ભરે તો પાંચ માસની સાદી કેદનો હુકમ કર્યો હતો.સાથે જ સગીરાને રૂ 4 લાખ ચૂકવવાનો હુકમ કર્યો હતો.
