ભરૂચના સ્ટેચ્યુ પાર્ક ખાતે જન્માષ્ટમીના પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં નાના ભૂલકાઓ જોડાયા હતા.

ભરૂચમાં જન્માષ્ટમીના પાવન પર્વ પૂર્વે જ કૃષ્ણ ભક્તિનો માહોલ જામ્યો છે. શહેરના શક્તિનાથ સ્થિત સહજાનંદ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા નાના ભૂલકાંઓ માટે સ્ટેચ્યુ પાર્ક ખાતે બિફોર જન્માષ્ટમીની વિશેષ ઉજવણીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

રંગબેરંગી વાઘા પહેરી સહજાનંદ બાળ ગૃહના 16 ભૂલકાઓ જ્યારે રાધા-કૃષ્ણનો વેશ ધારણ કરી સ્ટેચ્યુ પાર્કમાં પહોંચ્યા, ત્યારે આખું પરિસર તેમના મધુર કલરવથી ગુંજી ઉઠ્યું હતું. નાનકડા કાનુડા અને રાધિકાઓએ નંદ ઘેર આનંદ ભયો, જે કન્હૈયા લાલ કી ના નાદ સાથે ગરબે ઘૂમીને કૃષ્ણ જન્મોત્સવની બાળ સહજ ઉજવણી કરી હતી. બાળ ગોપાલો માટે સ્ટેચ્યુ પાર્કના ખુલ્લા વાતાવરણમાં વિવિધ મનોરંજક રમતોનું પણ આયોજન કરાયું હતું, જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈ મુક્ત મને આનંદ-પ્રમોદ માણ્યો હતો.