બનાસકાંઠા જિલ્લામાં વરસાદ પાછો ખેંચાતા ખેડૂતોની આર્થિક કમર ફરી ભાંગે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ચોમાસું સારું રહેશે તેવી આશાએ પાક વાવી સારા ઉત્પાદનની ખેડૂતો આશા રાખી રહ્યા હતા. પરંતુ હવે વરસાદે હાથતાળી આપતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.

બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી ગણાતી બનાસ નદી હાલ કોરાધાકોર જોવા મળી રહી છે. તો બીજી તરફ, જિલ્લાના ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ લાવીને મહામહેનતે ચોમાસુ પાકની વાવણી કરી હતી. જોકે, શરૂઆતમાં તો વરસાદ આવતા ખેડૂતો ખુશખુશાલ હતા. પરંતુ આ ખુશી લાંબા સમય સુધી ટકી ન શકી. કારણ કે, હવે છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ પાછો ખેંચાયો છે. જેથી ખેડૂતો ચિંતિત બન્યા છે. એક તરફ, પાણીના તળ નીચે જતા પાણી સિંચાઈ માટે આપી શકાય તેવી પરિસ્થિતિ નથી. તો બીજી તરફ, વરસાદે હાથ તાળી આપી છે. બનાસકાંઠા જિલ્લો એ સૌથી વધુ ખેતી આધારિત અને પશુપાલન ધરાવતો જિલ્લો છે, પરંતુ છેલ્લા 2 વર્ષથી નબળા ચોમાસે ખેડૂતોને રડતા કર્યા છે.

બનાસકાંઠામાં ચોમાસુ અડધું વિત્યું છે. પરંતુ પાલનપુર, વડગામ, અમીરગઢ, દાતા પંથકમાં નહીવત વરસાદના કારણે હવે ખેડૂતોને મગફળી, બાજરી, પપૈયા અને એરંડાના વાવેલા પાકમાં વ્યાપક નુકસાન થવાની ચિંતા સતાવી રહી છે. ખેડૂતો કહેવું છે કે, જો આ જ પરિસ્થિતિ રહી તો આગામી દિવસોમાં ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડી શકે છે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ આક્ષેપો કર્યા છે કે, બનાસકાંઠા જિલ્લામાં સરેરાશ 7 ઇંચ જ વરસાદ નોંધાયો છે. ખેડૂતો કહેવું કે, હાલ તો પરિસ્થિતિ એવી છે કે, પાક તો બહાર આવ્યો જ નથી. પરંતુ પશુપાલન કરવું પણ મુશ્કેલ બની ગયું છે, ત્યારે આવી કપરી પરિસ્થિતીમાં સરકાર દ્વારા સહાવ વળતર ચુકાવય તેવી માંગ ઉઠી છે.

બનાસકાંઠા જિલ્લા ખેતીવાડી અધિકારી મયુર પટેલ પણ જિલ્લામાં વરસાદની અછત હોવાનું કબૂલી રહ્યા છે. તેઓએ જણાવ્યુ હતું કે, 3 લાખ 80 હજાર હેક્ટર જમીનમાં બાજરી, મગફળી, કઠોળ જેવા ખરીફ પાકોનું વાવેતર થયું છે. હાલમાં ખેડૂતો વાવેલા પાકને બોર અને ફુવારા પદ્ધતિથી પાણી આપી રહ્યા છે. જો વરસાદ વધુ ખેંચાશે તો ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે કરી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. બનાસકાંઠા જિલ્લામાં હાલમાં ખેડૂતોની વિકટ પરિસ્થિતિ છે, ત્યારે સરકાર દ્વારા વહેલી તકે સર્વે કરાવી ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.