જામનગરમાં આવેલું પ્રસિદ્ધ બાલા હનુમાન મંદિર પોતાની અનોખી ભક્તિ આરાધના માટે જાણીતું છે. છેલ્લા 60થી પણ વધુ વર્ષોથી ચાલી રહેલી રામધૂનને કારણે મંદિરનું નામ ‘ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’માં પણ નોંધાયું છે.
જામનગરમાં આવેલું પ્રસિદ્ધ બાલા હનુમાન મંદિર પોતાની અનોખી ભક્તિ આરાધના માટે દેશ અને દુનિયાભરમાં જાણીતું છે.રણમલ તળાવના કાંઠે આવેલા આ પવિત્ર મંદિરની સ્થાપના વર્ષ 1960માં પ્રેમભિક્ષુક મહારાજે કરી હતી. આ ધામની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં પહેલી ઓગસ્ટ, 1964થી અવિરત અને અખંડ રામધૂન ચાલી રહી છે. છેલ્લા 60થી પણ વધુ વર્ષોથી ચાલી રહેલી આ અદભૂત રામધૂનને કારણે મંદિરનું નામ ‘ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’માં પણ નોંધાયું છે. વર્ષ 2001માં જ્યારે આખું ગુજરાત મહાવિનાશક ભૂકંપથી ધ્રુજી ઉઠ્યું હતું, ત્યારે પણ શ્રદ્ધાળુઓના દૃઢ ભક્તિભાવના કારણે અહીં એક ક્ષણ માટે પણ રામધૂન બંધ થઈ નહોતી.
જામનગરના સ્થાનિક નાગરિકોથી લઈને દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓ માટે આ મંદિર આસ્થાનું બહુ મોટું કેન્દ્ર છે. સ્થાનિક લોકો હાથમાં ઢોલક, મંજીરા અને પેટીના સથવારે રામ નામના જપમાં લીન રહે છે. માન્યતા છે કે આ પવિત્ર પ્રાંગણમાં પગ મૂકતાં જ વ્યક્તિના તમામ દુઃખ, ચિંતા અને તણાવ દૂર થઈ જાય છે અને એક અનોખી શાંતિ તથા ઊર્જાનો અનુભવ થાય છે. રામ ભક્ત હનુમાનજીના સાનિધ્યમાં ગૂંજતો આ રામ નામનો ગુંજારવ સમગ્ર વાતાવરણને પવિત્ર બનાવી દે છે.
