મુંબઈના ગેટ વે ઓફ ઈન્ડિયા નજીક દરિયામાં ફેરીબોટની દૂર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. અચાનક ફેરી બોટનું એન્જિન બંધ થતા 34 સહેલાણીઓ ફસાયા હતા, જોકે, બાદમાં સફળ રેસ્ક્યૂ કરવામાં આવ્યુ હતુ. ગઇકાલે 3જી સપ્ટેમ્બરના રોજ રાત્રે 8:30 વાગ્યે મુંબઈના ગેટ વે ઓફ ઈન્ડિયાથી 1.5 નોટિકલ માઈલ દૂર ‘અન્વરી’ નામની ફેરીબોટનું એન્જિન અચાનક બંધ પડી ગયું હતું. મધ્ય દરિયામાં સર્જાયેલી આ કટોકટીમાં મુંબઈ પોલીસે ત્વરિત કામગીરી કરીને બોટમાં સવાર 34 સહેલાણીઓ અને 4 ક્રુ મેમ્બર સહિત તમામ 38 લોકોને સુરક્ષિત રીતે બચાવી લીધા હતા.
મુંબઇમાં ગેટ વે ઓફ ઈન્ડિયાથી 34 સહેલાણીઓને લઈને રવાના થયેલી ‘અન્વરી’ ફેરીબોટ કિનારાથી દોઢ નોટિકલ માઈલ દૂર પહોંચતા જ તેનું એન્જિન ખોટકાઈ ગયું હતું. દરિયાની વચોવચ બોટ બંધ થઈ જતા તેમાં સવાર તમામ સહેલાણીઓમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. કટોકટીની આ ક્ષણે બોટના ક્રુ મેમ્બરે સહેજ પણ વિલંબ કર્યા વગર તુરંત મુંબઈ પોલીસ કંટ્રોલરૂમને જાણ કરી હતી. માહિતી મળતા જ બીટ નંબર 1માં ફરજ बजाવતા પોલીસ કોન્સ્ટેબલ અભિજિત શિંદે અને તેમના સાથીદારે ઘટનાની ગંભીરતા સમજીને ત્વરિત પગલાં ભર્યા હતા. તેમણે દરિયામાં આસપાસની બોટોની માહિતી મેળવતા જાણવા મળ્યું કે ‘આઝાદ હિંદ’ નામની ફેરીબોટ નજીકમાં જ છે. પોલીસે તુરંત ‘આઝાદ હિંદ’ના ક્રુ મેમ્બર જુનેદ મુલ્લાનો સંપર્ક કરી તેને ફસાયેલી બોટ તરફ જવાનો આદેશ આપ્યો હતો.
પોલીસના નિર્દેશ બાદ સ્થળ પર પહોંચેલી ‘આઝાદ હિંદ’ બોટે ‘અન્વરી’ ફેરીબોટને સફળતાપૂર્વક ટો (Tow) કરીને રાત્રે 9:10 વાગ્યે ગેટ વે ઓફ ઈન્ડિયાની જેટી નંબર 2 પર સુરક્ષિત રીતે પહોંચાડી દીધી હતી. સમયસર મળેલી સહાય અને મુંબઈ પોલીસની સતર્કતાને કારણે એક મોટી જાનહાનિ ટળી હતી, જે દરિયાઈ મુસાફરીમાં ઈમરજન્સી પ્રતિસાદ અને યોગ્ય સમન્વયનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે.
