ભરૂચ રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા કારેલા ગામની સીમમાંથી પસાર થતા મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઇવે પર સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. બાતમીના આધારે દરોડો પાડી પોલીસે વિદેશી દારૂ અને બીયરની આશરે 240 પેટી ઝડપી પાડી હતી.

SMCના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર જે.એસ. રાજપૂતની ટીમે કરેલી કાર્યવાહીમાં રૂ.27,98,400ની કિંમતની દારૂ-બીયરની 7,392 બોટલ મળી આવી હતી. વાહન, મોબાઇલ ફોન સહિત કુલ રૂ.52,15,228નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે.દરોડા દરમિયાન ગુલફાન ઉર્ફે મુન્ના ઉર્ફે સુલતામીર્ઝા હમીદખાન પઠાણ ઝડપાઈ ગયો હતો. જ્યારે ગોવાના પ્રમોદ યાદવ અને બબલુ શેખ, વાપી-વલસાડના દેવવ્રત ત્રિપાઠી સહિત કુલ છ આરોપીઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. વડોદરા ખાતે દારૂનો જથ્થો મંગાવનાર શખ્સ સહિત અન્ય બે આરોપીઓની ભૂમિકા અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.