સોશિયલ મીડિયા પર અત્યારે 80ના દાયકાનો ‘રેટ્રો ટ્રેન્ડ’ લોકોના દિલ પર રાજ કરી રહ્યો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનોલોજીની મદદથી લોકો પોતાની આધુનિક તસવીરોને 80ના દાયકાના વિન્ટેજ લૂકમાં બદલીને ઉત્સાહભેર શેર કરી રહ્યા છે. નેતાઓથી લઈને બોલિવૂડ અને ઢોલીવૂડના ફિલ્મ સ્ટાર્સ પણ આ નોસ્ટાલ્જિક ટ્રેન્ડના રંગે રંગાયા છે. આ ટ્રેન્ડની સૌથી રસપ્રદ અને સુંદર બાબત એ છે કે, જેણે 80નો દાયકો પ્રત્યક્ષ જીવ્યો છે તે ‘જનરેશન-X’ તો આમાં હોંશે હોંશે જોડાઈ જ છે, પરંતુ સ્માર્ટફોન અને ડિજિટલ દુનિયા વચ્ચે જન્મેલી આજના સમયની ‘Gen-Z’ પણ આ રેટ્રો લૂક પાછળ ઘેલી થઈ છે.

આ રેટ્રો ટ્રેન્ડ માત્ર તસવીરો બદલવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે લોકોને એક અનોખા ફ્લેશબેકમાં લઈ જાય છે.80નો દાયકો એટલે ઓછી ટેકનોલોજી, મર્યાદિત સુખ-સુવિધાઓ અને ભૌતિક સાધનોની અછતનો સમય. છતાં, તે સમયગાળામાં માનવી સાદગી, આંતરિક શાંતિ, સુરક્ષા અને સાચા આનંદનો અનુભવ કરતો હતો.

આજના દોડધામભર્યા અને સોશિયલ મીડિયાના આભાસી યુગમાં, 80ના દાયકાની એ સરળ અને આત્મીયતાથી ભરેલી જીવનશૈલી લોકોને ખૂબ આકર્ષી રહી છે.AIના માધ્યમથી રજૂ થતો આ રેટ્રો લૂક ભૂતકાળની મીઠી યાદોને તાજી કરીને વર્તમાન સમયમાં પણ હૂંફ અને એક વિશિષ્ટ આકર્ષણ જન્માવી રહ્યો છે.