ભરૂચના આમોદ પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત કફોડી બની છે. કપાસ સહિતનો પાક નિષ્ફળ જવાની ભીતિ ધરતીનો તાત વ્યક્ત કરી રહ્યો છે.

ભરૂચના આમોદ તાલુકામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. તાલુકાના અનેક વિસ્તારોમાં હજારો એકરમાં વાવણી કરાયેલા પાકને પૂરતું પાણી ન મળતા પાક સુકાવાની કગાર પર પહોંચી ગયો છે. સમયસર વરસાદ ન પડતાં ખેડૂતો સામે પાક બચાવવાનો પડકાર ઊભો થયો છે.આકાશમાં વાદળો દેખાઈ રહ્યા હોવા છતાં મેઘરાજા મહેરબાન ન થતાં ખેડૂતોની આશા નિરાશામાં ફેરવાઈ રહી છે. વરસાદના અભાવે જમીનમાં તિરાડો પડવા લાગી છે, જ્યારે ખેતરોમાં ઉભેલો પાક પણ પાણી માટે તરસી રહ્યો છે.ખેડૂતોનું કહેવું છે કે મોંઘા બિયારણ, ખાતર અને ખેતીના ખર્ચ બાદ મહેનત કરીને પાક તૈયાર કર્યો છે, પરંતુ વરસાદ ખેંચાતા હવે પાકને બચાવવો મુશ્કેલ બની રહ્યો છે. જો આગામી દિવસોમાં વરસાદ નહીં પડે તો ખેતીપાકને મોટું નુકસાન થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.વરસાદના અભાવે સર્જાયેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતો દ્વારા સરકાર સમક્ષ તાત્કાલિક પાક નુકસાનનો સર્વે કરાવવાની માંગ કરવામાં આવી છે. સાથે જ નુકસાનગ્રસ્ત ખેડૂતોને યોગ્ય સહાય અને જરૂરી રાહત આપવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે.