અંબાજીના ભાદરવી પૂનમ મહામેળાને લઈને તંત્ર સજ્જ બન્યું છે. 20થી 26 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા મહામેળામાં અંબાજી તરફ લાખો માઈભક્તો પગપાળા અને વાહનો દ્વારા પહોંચશે. ભક્તોની સુરક્ષા અને સુવિધા માટે પોલીસ, આરોગ્ય વિભાગ તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
દાંતા-રતનપુર ખાતે શીત કેન્દ્રમાં બનાસ ડેરી દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મેડિકલ કેમ્પના શુભ પ્રારંભ પ્રસંગે શંકર ચૌધરીએ માતાજીની આરતી ઉતારી હતી અને ત્યારબાદ રિબન કાપીને કેમ્પ ખુલ્લો મુક્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. માઈભક્તોને આરામની સાથે આધુનિક આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે કેમ્પમાં વ્યવસ્થા કરવામાં આવી છે.
પગપાળા અંબાજી જતા ભક્તો માટે ગાંધીનગરના બાલવા ખાતે પણ સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે. આશ્રય ફાઉન્ડેશન દ્વારા ઉનાવા વાસણીયા મહાદેવથી બાલવા ચોકડી વચ્ચે આ કેમ્પનું આયોજન કરાયું છે. ફાઉન્ડેશનના સ્થાપક ભગીરથસિંહ ચૂડાસમા અને તેમની ટીમ દ્વારા દિવસ-રાત ભક્તોની સેવા કરવામાં આવી રહી છે.ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભાભર પોલીસે પણ અનોખી પહેલ કરી છે. રાત્રિના સમયે પદયાત્રીઓ અકસ્માતનો ભોગ ન બને તે માટે પોલીસ દ્વારા તેમના કપડાં અને સામાન પર રેડિયમ લગાવવામાં આવી રહ્યા છે. પોલીસ દ્વારા માત્ર સુરક્ષા નહીં પરંતુ ફેસિલિટેટર તરીકે ભક્તોને મદદ કરવાની કામગીરી પણ કરવામાં આવશે.
બીજી તરફ મેળાને લઈને ટ્રાફિક વ્યવસ્થામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. હિંમતનગરના મહેતાપુરાથી ખેડબ્રહ્માના ખેરોજ પુલ સુધી વન-વે જાહેર કરવામાં આવ્યો છે. પદયાત્રીઓની સુરક્ષા માટે સ્ટેટ હાઇવેની ડાબી બાજુનો વાહનવ્યવહાર બંધ રાખવામાં આવશે, જ્યારે હિંમતનગરથી જતા માર્ગની જમણી બાજુથી વાહનોને અવરજવર કરવાની મંજૂરી રહેશે. આ જાહેરનામું 19 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર બપોરે 12 વાગ્યા સુધી અમલમાં રહેશે. જોકે એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ સહિતની આકસ્મિક સેવાઓના વાહનોને મુક્તિ આપવામાં આવી છે.
