અંકલેશ્વરમાં ચોમાસાની વિદાય વચ્ચે આજે વહેલી સવારે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. વહેલી સવારથી સમગ્ર શહેર અને આસપાસના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાઈ જતાં અંકલેશ્વર જાણે સફેદ ચાદરમાં ઢંકાઈ ગયું હોય તેવો નજારો જોવા મળ્યો હતો.સવારના સમયે રસ્તાઓ, રહેણાંક વિસ્તારો અને ખુલ્લા મેદાનોમાં ધુમ્મસની ચાદર પથરાઈ ગઈ હતી. ગાઢ ધુમ્મસને કારણે આસપાસનું દૃશ્ય ધૂંધળું બની ગયું હતું અને વાહનચાલકોને રસ્તો જોવામાં મુશ્કેલી પડી હતી. ખાસ કરીને મુખ્ય માર્ગો પર વિઝિબિલિટી ઘટી જતાં વાહનચાલકોએ સાવચેતી સાથે વાહન હંકારવાની ફરજ પડી હતી.

ધુમ્મસના કારણે કેટલાક વિસ્તારોમાં વાહનોની હેડલાઇટ ચાલુ રાખીને વાહન ચલાવતા લોકો જોવા મળ્યા હતા. વહેલી સવારના સમયે રસ્તાઓ પર અવરજવર કરતા વાહનચાલકો માટે ગાઢ ધુમ્મસ પડકારરૂપ બન્યું હતું.બીજી તરફ, ધુમ્મસના કારણે અંકલેશ્વરનું વાતાવરણ એકદમ ખુશનુમા બની ગયું હતું.

ઠંડકભર્યા માહોલ અને ચારે તરફ છવાયેલા સફેદ ધુમ્મસના કારણે શહેરમાં જાણે કોઈ હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો હતો. ધુમ્મસથી ઢંકાયેલા રસ્તાઓ અને આસપાસના વિસ્તારોના મનમોહક દૃશ્યો સ્થાનિકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.ચોમાસાની વિદાયના સમયે જોવા મળેલા આ બદલાયેલા વાતાવરણને કારણે સવારના સમયે બહાર નીકળેલા લોકોને પણ અલગ પ્રકારનો અનુભવ થયો હતો.