ગુજરાતમાં ચોમાસાની વિદાયની તૈયારીઓ વચ્ચે હવામાન વિભાગ દ્વારા આજે પણ કેટલાક વિસ્તારો માટે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં આજે છૂટાછવાયા સ્થળો પર પવન સાથે વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ તેમજ સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે હળવાથી મધ્યમ વરસાદ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
ગઈ કાલે સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, રાજકોટ, ભાવનગર અને પોરબંદર સહિતના જિલ્લાઓના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સાર્વત્રિક ધોધમાર વરસાદ નોંધાયો હતો. લાંબા વિરામ બાદ આવેલા આ સારા વરસાદને પગલે મગફળી, કપાસ અને સોયાબીન જેવા ખરીફ પાકોને નવું જીવતદાન મળતા ધરતીપુત્રોના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી હતી.
ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે વરસાદનું યલો એલર્ટ, દક્ષિણ ગુજરાતમાં પવન સાથે વરસાદની આગાહી
