મેડિકલ કોલેજના પ્રોફેસરનો કોહવાયેલો મૃતદેહ મળ્યો
ડૉ. કિન્નર દેસાઈનો 4 દિવસથી ફોન બંધ આવતો હતો
સાથી ડોક્ટરે પોલીસને જાણ કરતાં મામલો સામે આવ્યો
મકાનમાં બેડ પરથી વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો
પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી
ભાવનગર શહેરની સરકારી મેડિકલ કોલેજના એનાટોમી વિભાગના એસોસિએટ પ્રોફેસર ડૉ. કિન્નર દેસાઈનો ગોકુળધામ સ્થિત બંધ ફ્લેટમાંથી વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે.
મળતી માહિતી અનુસાર, મૂળ અમદાવાદના વતની અને ભાવનગરની સરકારી મેડિકલ કોલેજના એનાટોમી વિભાગમાં એસોસિએટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડૉ. કિન્નર દેસાઈ છેલ્લા 4 દિવસથી કોલેજમાં ગેરહાજર હતા અને ફોન પર પણ સંપર્ક થઈ શકતો ન હતો. જેથી વિભાગના સાથી તબીબે પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાં જ ભરતનગર પોલીસ મથકના પીઆઇ સહિતનો કાફલો તપાસ અર્થે તબીબના નિવાસ્થાને પહોંચ્યો હતો, જ્યાં ગોકુળધામ સોસાયટીના K વિંગ-201 નંબરનો ફ્લેટ બહારથી બંધ હોવાથી પોલીસે ફાયર સ્ટાફને બોલાવી દરવાજો તોડાવ્યો હતો. ત્યારબાદ મકાનની અંદર તપાસ કરતા દુર્ગંધ આવતી હતી, અને શંકાસ્પદ પરિસ્થિતિમાં ડૉ. દેસાઈનો મૃતદેહ મળી આવ્યો હતો.
પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી સર ટી. હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડ્યો છે, ત્યારે મેડિકલ કોલેજના પ્રોફેસરના અકાળે અવસાનના અહેવાલથી મેડિકલ આલમમાં શોકની લાગણી ફેલાઇ છે. હાલ તબક્કે આ મૃત્યુ કુદરતી છે કે, અન્ય કોઈ કારણોસર થયું છે તે અંગે સત્તાવાર સ્પષ્ટતા થઈ નથી. જોકે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું સાચું કારણ બહાર આવશે.
