કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા સંચાલિત તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા રાજપીપળા સ્થિત અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલના સંસ્કાર ભવન ખાતે માતૃભૂમિની રક્ષા કાજે પોતાનું જીવન સમર્પિત કરનાર દેશના વીર જવાનોની કદર કરવાના અને યુવા પેઢીમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જગાડવાના ઉદ્દેશ્યથી ‘સશસ્ત્ર દળ સન્માન કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સમારોહ દરમિયાન દેશની સશસ્ત્ર સેનાઓમાં ઉત્કૃષ્ટ સેવા આપી નિવૃત્ત થયેલા  લક્ષ્મણસિંહ દેવીસિંહ રાઉલજી,સુરેશભાઈ મધુભાઈ વસાવા,વિજયકુમાર જગદીશભાઈ વસાવા, સુરેન્દ્રસિંહ ઇન્દ્રસિંહ પાંજરોલીયા, હસમુખભાઈ મગનભાઈ પટેલ અને નંદુભાઈ ભુલાભાઈ વસાવાનું સાલ ઓઢાડીને તેમજ સ્મૃતિચિહ્ન અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. દેશ સેવા કાજે જિલ્લાના આ 6 સૈનિકોએ આપેલા અતુલ્ય યોગદાનને ઉપસ્થિત સૌ કોઈએ કરતલ ધ્વનિથી વધાવી લીધું હતું.

કાર્યક્રમમાં ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે ખાસ ઉપસ્થિત રહીને નિવૃત્ત સૈનિકોની અપ્રતિમ રાષ્ટ્રસેવાને બિરદાવી હતી,અને વિદ્યાર્થીઓને દેશસેવા તથા શિસ્તના માર્ગે ચાલવા પ્રેરણા પૂરી પાડી હતી.

આ પ્રસંગે જિલ્લા યુવા વિકાસ અધિકારી દિલીપ દેસાઈ, કેપ્ટન રાહુલ ઠક્કર, તેમજ  અંબુભાઈ પુરાણી હાઇસ્કુલના પ્રિન્સીપાલ જીગ્નેશ પટેલ, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને કેડેટ્સ ઉપસ્થિત રહ્યા હતા.