ઔદ્યોગિક એકમોના 10 લાખથી વધુ કારીગરો માટે રાહત

એકમોના માલિકોની મનમાની પર વાગશે બ્રેક

ધરણાના એક દિવસ પહેલા જ તંત્ર એક્શનમાં

લેબર વિભાગ અને કલેક્ટર હરકતમાં આવ્યા

દર રવિવારે મળશે સાપ્તાહિક રજા,કલેક્ટરે પરિપત્ર જાહેર કર્યો

સુરતના ટેક્સટાઈલ, એમ્બ્રોઇડરી અને વિવિધ ઔદ્યોગિક એકમોના શ્રમિકો દ્વારા પ્રસ્તાવિત આંદોલન અને ધરણાના બરાબર એક દિવસ પહેલા જ લેબર વિભાગ અને જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા રાહતરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે.

સુરતના ટેક્સટાઈલ, એમ્બ્રોઇડરી અને વિવિધ ઔદ્યોગિક એકમોમાં રાત-દિવસ મજૂરી કરતા 10 લાખથી પણ વધુ શ્રમિકોની આખરે મોટી જીત થઈ છે. શ્રમિકો દ્વારા પ્રસ્તાવિત આંદોલન અને ધરણાના બરાબર એક દિવસ પહેલાં જ લેબર વિભાગ અને જિલ્લા કલેક્ટર તંત્ર પૂર્ણપણે એક્શનમાં આવી ગયું છે.

સુરત કલેક્ટર દ્વારા એક વિશેષ પરિપત્ર ફટકારવામાં આવ્યો છે, જે મુજબ હવેથી તમામ શ્રમિકોને દર રવિવારે ફરજિયાત સાપ્તાહિક રજા આપવાની જોગવાઈ કડક રીતે લાગુ કરવામાં આવશે. વર્ષોથી અવિરત કામ કરી રહેલા અને રજા વિના પીસાતા શ્રમિક વર્ગ માટે આ નિર્ણય એક બૂસ્ટર ડોઝ સમાન સાબિત થયો છે. કલેક્ટરના આ આદેશ બાદ સુરતના સમગ્ર શ્રમિક વર્ગમાં ભારે હર્ષ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પરિપત્રમાં માત્ર સાપ્તાહિક રજા જ નહીં, પરંતુ નવા લેબર કોડ અનુસાર શ્રમિકોના કામના કલાકો નક્કી કરવા અને તેમના હકના યોગ્ય વેતનની સ્પષ્ટ જોગવાઈઓ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. અત્યાર સુધી 12-12 કલાક કામ કરાવતા અને સાપ્તાહિક રજા ન આપતા કારખાનેદારો તેમજ મિલ માલિકોની મનમાની પર હવે પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. કલેક્ટર અને લેબર વિભાગની આ કડક સૂચના બાદ જો નિયમોનું ઉલ્લંઘન થશે તો માલિકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.