દેશની સુરક્ષા માટે ભારતીય સેનામાં જોડાયેલા ઉમલ્લાના જવાન

17 વર્ષ દેશની સેવામાં ફરજ બજાવનાર જવાન વતન પહોચ્યા

ઉમલ્લા ગામ ખાતે જવાનનું ભવ્ય સ્વાગત-સન્માન કરવામાં આવ્યું

ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા સહિતના અગ્રણીઓની હાજરી

સેનાના જવાનને ફૂલહાર પહેરાવી, શુભેચ્છાઓ પાઠવવામાં આવી

ભારતીય સેનામાં સતત 17 વર્ષ સુધી ફરજ બજાવી દેશની સેવા કરનાર વિજય વસાવા પોતાના વતન પરત ફર્યા હતા, ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ખાતે તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

દેશની સુરક્ષા માટે ભારતીય સેનામાં જોડાયેલા વિજય વસાવાએ દેશના અલગ-અલગ વિસ્તારોમાં પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી હતી. તેમની છેલ્લી ફરજ રાજસ્થાનના જેસલમેર બોર્ડર ખાતે રહી હતી. જોકે, 17 વર્ષ સુધી દેશની સરહદોની સુરક્ષામાં મહત્વપૂર્ણ ફરજ બજાવ્યા બાદ જ્યારે વિજય વસાવા પોતાના વતન તરફ પરત ફરી રહ્યા હતા, ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ચાર રસ્તા ખાતે તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા, ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા, નટુ વસાવા સહિત ગામના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનોએ વિજય વસાવાને ફૂલહાર પહેરાવી, શુભેચ્છાઓ પાઠવી અને ઉત્સાહભેર તેમનું સ્વાગત કર્યું હતું. જવાનના સ્વાગત દરમિયાન ઉમલ્લા ખાતે દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો.