સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, જિલ્લા વહીવટી તંત્ર નર્મદા તથા જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, નર્મદા દ્વારા  સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે તાલુકા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાનો શુભારંભ જિલ્લા રમત ગમત અધિકારી તથા રાષ્ટ્રીય વિજેતા તિરંદાજ દિનેશ ભીલના હસ્તે કરવામાં આવ્યો હતો.

આ રમતોત્સવમાં નાની ઉંમરના ખેલાડીઓથી લઈને ઓપન કેટેગરીના ખેલાડીઓ સુધી મોટી સંખ્યામાં રમતવીરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. અંડર-9 અને અંડર-11 વિભાગમાં આશરે 200 ખેલાડીઓ, જ્યારે અંડર-14, અંડર-17 તથા ઓપન વિભાગમાં ભાઈઓ-બહેનો મળી આશરે 500 ખેલાડીઓએ પોતાની રમત પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. આમ, સમગ્ર સ્પર્ધામાં કુલ આશરે 700થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો.

સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું આંતરરાષ્ટ્રીય કક્ષાનું સિન્થેટિક એથ્લેટિક્સ ટ્રેક ખેલાડીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આધુનિક રમતગમતની સુવિધાઓથી સજ્જ આ મેદાન પર સ્પર્ધામાં ભાગ લેનારા નાના અને ઉભરતા ખેલાડીઓ, કોચ, મેનેજર તથા વાલીઓએ પણ સંતોષ વ્યક્ત કર્યો હતો.