એસએમસીની સ્લમ ઇમ્પ્રુવમેન્ટ કમિટીની મહત્વની બેઠક યોજાઈ

બેઠકમાં આવાસ અને દુકાનોના નિર્માણને આપવામાં આવી મંજૂરી

રાંદેર અને વરાછા ઝોનમાં મોટા પ્રોજેક્ટ્સ જાહેર કરાયા

આવાસ યોજનાના ફોર્મ ફીમાં મોટી રાહત આપવામાં આવી

રહેણાંક સાથે વેપારની સુવિધાનું પણ આયોજન

સુરતમાં સ્લમ ઇમ્પ્રુવમેન્ટ કમિટીની એક અત્યંત મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં શહેરના વિકાસ અને ગરીબ-મધ્યમ વર્ગના નિવાસસ્થાનને લઈને મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા.

સુરતમાં સ્લમ ઇમ્પ્રુવમેન્ટ કમિટીની એક અત્યંત મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં શહેરના વિકાસ અને ગરીબ-મધ્યમ વર્ગના નિવાસસ્થાનને લઈને  મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા.

આ બેઠકમાં શહેરમાં નવા બનનારા આવાસ, ભાડે રહેતા લોકો અને એક કરતાં વધુ આવાસ ધરાવતા લોકો અંગે વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકના અંતે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ ઝોનમાં કુલ 5,292 નવા ફ્લેટ અને 72 વેપારી દુકાનોના નિર્માણને સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે.

વિવિધ ઝોન વાઈઝ આયોજનની વાત કરીએ તો, રાંદેર ઝોનમાં સૌથી વધુ 2,756 ફ્લેટ અને 46 દુકાનોનું નિર્માણ થશે. જ્યારે વરાછા ઝોન-1માં 1,320 ફ્લેટ, ઉધના ઝોન-1માં 704 ફ્લેટ અને 12 દુકાનો, તથા વરાછા ઝોન-બીમાં 112 ફ્લેટ અને 14 દુકાનો મંજૂર કરવામાં આવી છે. મહાનગરપાલિકાએ આવાસની સાથે સ્થાનિક સ્તરે વેપાર અને રોજગાર વધે તે હેતુથી રોડ-રસ્તા પર દુકાનોની વિશેષ સુવિધા પણ ઉપલબ્ધ કરાવવાનું નક્કી કર્યું છે.

આ ઉપરાંત લાભાર્થીઓ માટે એક મોટા રાહતના સમાચાર પણ સામે આવ્યા છે. હવે આવાસ યોજના માટે ફોર્મ ભરતી વખતે અગાઉ ચૂકવવા પડતા રૂપિયા 20,000 ના બદલે માત્ર રૂપિયા 7,500 જ ડિપોઝિટ/ફી પેટે ભરવાના રહેશે. કિંમતની વાત કરીએ તો લાભાર્થી દીઠ 1 BHK ફ્લેટ માટે રૂપિયા 7 લાખ અને 2 BHK ફ્લેટ માટે રૂપિયા 9 લાખની રકમ નક્કી કરવામાં આવી છે, જેનાથી હજારો પરિવારનું પોતાનું ઘરનું ઘર બનાવવાનું સ્વપ્ન સાકાર થશે.