આશો નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે સાઇકલ યાત્રાનું આયોજન

મુંબઈથી કચ્છ કુળદેવી માઁ આશાપુરાના દર્શને નીકળ્યા શ્રદ્ધાળુઓ

1200 કિમી લાંબી સાઇકલ યાત્રા માતાના મઢ તરફ પ્રસ્થાન થઈ

મુંબઈ-કચ્છ સાઇકલ યાત્રામાં 1500 જેટલા માઈભક્તો જોડાયા

શ્રી કચ્છી ભાનુશાલી સમાજ દ્વારા સાઇકલ યાત્રાનું સ્વાગત કરાયું

મુંબઈથી કચ્છ માતાના મઢ સુધી નીકળેલી 1200 કિમી લાંબી સાઇકલ યાત્રા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આવી પહોંચતા શ્રી કચ્છી ભાનુશાલી સમાજ દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

આશો નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે મુંબઈથી કચ્છની કુળદેવી માઁ આશાપુરાના દર્શન માટે હજારો શ્રદ્ધાળુઓ સાઇકલ યાત્રા કરી માતાના મઢ તરફ પ્રસ્થાન કરે છે. આ યાત્રામાં અંદાજે 1500 જેટલા યાત્રાળુઓ મુંબઈથી સાઇકલ પર સવાર થઈને લગભગ 1200 કિલોમીટરનું અંતર કાપી કચ્છના માતાના મઢ ખાતે માઁ આશાપુરાના દર્શન કરવા પહોંચે છે.

આ શ્રદ્ધાળુઓની સેવા માટે શ્રી કચ્છી ભાનુશાલી સમાજ-અંકલેશ્વર દ્વારા છેલ્લા 26 વર્ષથી સતત સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે. અંકલેશ્વર ખાતે નેશનલ હાઇવે નં. 48ના સર્વિસ રોડ પર યોજાતા માઁ આશાપુરા સેવા કેમ્પમાં સાઇકલ યાત્રિકો માટે જમવાની વ્યવસ્થા, રોકાણની સુવિધા, મેડિકલ સહાય તેમજ સાઇકલ રિપેરિંગ સહિતની વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવે છે, ત્યારે અંકલેશ્વર ખાતે સાઇકલ યાત્રિકો આવી પહોંચતા તેઓનું શ્રી કચ્છી ભાનુશાલી સમાજ દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

લાંબી અને કઠિન યાત્રા દરમિયાન થાકેલા યાત્રિકોને જરૂરી સુવિધાઓ અને સહાય પૂરી પાડીને સમાજ દ્વારા સેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. ધર્મપ્રત્યેની આસ્થા સાથે સેવા અને માનવતાનો સુંદર સંગમ જોવા મળતા આ સેવા કાર્યને યાત્રિકો દ્વારા પણ ખૂબ સરાહવામાં આવી રહ્યો છે. માઁ આશાપુરાના દર્શનની ભાવના સાથે નીકળેલા આ સાઇકલ યાત્રિકો માટે શ્રી કચ્છી ભાનુશાલી સમાજ, અંકલેશ્વરની ૨૬ વર્ષથી ચાલી આવતી સેવા પરંપરા ખરેખર પ્રેરણાદાયી બની રહી છે.