પાનવાડીમાં સમારકામ દરમિયાન જુનવાણી મકાન ધરાશાયી
સમારકામ દરમિયાન અચાનક આખુ મકાન જમીનદોસ્ત થયું
કાટમાળમાં દબાયેલા વૃદ્ધ સહિત બે લોકોને ઇજા, હોસ્પિટલ ખસેડાયા
ફાયર બ્રિગેડ,108, પોલીસ અને મનપાની ટીમ દ્વારા રેસ્ક્યુ
આસપાસના મકાનોને પણ પહોંચી ક્ષતિ,લોકોના ટોળેટોળા ઉમટ્યા
ભાવનગર શહેરના પાનવાડી વિસ્તારમાં સમારકામ દરમિયાન જુનવાણી મકાન જમીનદોસ્ત થઇ જતા નાસભાગ મચી ગઈ હતી,સર્જાયેલી હોનારતમાં બે લોકોને ઈજાઓ પહોંચી હતી.
ભાવનગર શહેરના વ્યસ્ત એવા પાનવાડી વિસ્તારમાં એક જુનવાણી મકાન અચાનક ધડાકાભેર ધરાશાયી થતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ છે. મકાનમાં સમારકામનું કામ ચાલી રહ્યું હતું, તે જ સમયે આ દુર્ઘટના ઘટી હતી. મકાન અચાનક નીચે પડી જતાં કામ કરી રહેલા લોકો અને આસપાસના રહીશોમાં દોડધામ મચી ગઈ હતી.
આ બનાવમાં એક વૃદ્ધ સહિત બે લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચી છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, 108 એમ્બ્યુલન્સ, સ્થાનિક પોલીસ અને મહાનગરપાલિકાનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમે ત્વરિત રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી કાટમાળમાં ફસાયેલા વૃદ્ધને સક્ષમ રીતે બહાર કાઢ્યા હતા અને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
મકાન ધરાશાયી થવાના ધડાકાના અવાજથી આસપાસના રહીશો એકઠા થઈ ગયા હતા,અને ઘટનાસ્થળે લોકોના મોટા ટોળા ઉમટી પડ્યા હતા. આ દુર્ઘટનામાં આજુબાજુમાં આવેલા મકાનોને પણ આંશિક નુકસાની પહોંચી હોવાના અહેવાલ સાંપડ્યા છે. હાલ મહાનગરપાલિકા અને તંત્ર દ્વારા ઘટનાસ્થળેથી કાટમાળ હટાવવાની તેમજ આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
