રોટરી ક્લબ અને માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન
રંગ રસિયા મેગા નવરાત્રી મહોત્સવ-2026’નું આયોજન
શહેરના મિશન કંપાઉન્ડ ખાતે ચાલતી તડામાર તૈયારીઓ
આયોજકોએ સ્થળ મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું
સંસ્થાના પ્રમુખ સહિતના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના મિશન કંપાઉન્ડ ખાતે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર અને માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સૌપ્રથમવાર આયોજિત ‘રંગ રસિયા મેગા નવરાત્રી મહોત્સવ-2026’ને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા દર વર્ષે GIDC વિસ્તારમાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવતું હતું. પરંતુ આ વર્ષે સૌપ્રથમ વખત આ નવરાત્રી મહોત્સવનું આયોજન શહેર વિસ્તારમાં થવા જઈ રહ્યું છે.
રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર અને માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વર શહેરની જીનવાલા સ્કૂલ પાછળ આવેલ મિશન કંપાઉન્ડ ખાતે રંગ રસિયા મેગા નવરાત્રી-2026’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડોદરાના સૂર ગ્રુપ અને ‘જાગ રે માલણ જાગ’ ફેમ પંકજ ગોસ્વામી, રાજસ્વી સોલંકી, અમી ભાવણીયા સહિત વૃંદના સભ્યો દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવશે, રંગ રસિયા મેગા નવરાત્રી મહોત્સવને લઈને ગરબા ગ્રાઉન્ડ ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે આજરોજ આયોજકોએ ગરબા ગ્રાઉન્ડની મુલાકાત લઈ તમામ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
CCTV કેમેરાથી સજ્જ ગરબા ગ્રાઉન્ડમાં ખાસ કરીને ડેકોરેશન, લાઇટિંગ, સાઉન્ડ સિસ્ટમ, ખાણીપીણીના સ્ટોલ સહિત ખેલૈયાઓની સુરક્ષા અને સલામતી માટે વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. એટલું જ નહીં, આયોજકો દ્વારા ટ્રેડિશનલ ડ્રેસમાં આવેલા ખેલૈયાઓ સહિત બેસ્ટ ખેલૈયાઓને સરપ્રાઈઝ ગિફ્ટ પણ આપવામાં આવશે, ત્યારે ખેલૈયાઓને નવરાત્રીની નવલી રાતોમાં ગરબાની રમઝટ બોલાવવા માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને રંગ રસિયા નવરાત્રી મહોત્સવના આયોજક સંદીપ પટેલ દ્વારા આમંત્રણ પાઠવાયું છે.
