ટેક્સટાઇલ મુદ્દે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહની મોટી બેઠક
યાર્નના વધી રહેલા ભાવ પર મંત્રી ગિરીરાજ સિંહનું નિવેદન
ક્રૂડ ઓઇલ અને વૈશ્વિક સંકટ જવાબદાર, ટૂંક સમયમાં આવશે ઉકેલ
શ્રમિકોના પલાયનના મુદ્દે કેન્દ્રીય મંત્રીનો ખુલાસો
ગિરીરાજ સિંહનો રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર તીખો પ્રહાર
સુરતમાં કેન્દ્રીય ટેક્સટાઈલ મંત્રી ગિરીરાજ સિંહે શહેરના સર્કિટ હાઉસ ખાતે તમામ ટેક્સટાઇલ ઉદ્યોગકારો અને વેપારીઓ સાથે ખાસ બેઠક યોજી હતી.
સુરતમાં કેન્દ્રીય ટેક્સટાઈલ મંત્રી ગિરીરાજ સિંહે શહેરના સર્કિટ હાઉસ ખાતે તમામ ટેક્સટાઇલ ઉદ્યોગકારો અને વેપારીઓ સાથે ખાસ બેઠક યોજી હતી.બેઠક બાદ ગિરિરાજ સિંહે જણાવ્યું હતું કે, ટેક્સટાઈલ ઉદ્યોગમાં સતત વધી રહેલા યાર્નના ભાવ અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી છે.
વૈશ્વિક સ્તરે બે દેશો વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાવાના કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો આવ્યો હતો, જેની સીધી અસર યાર્ન ઇન્ડસ્ટ્રી પર પડી છે. જોકે, હવે આ અંગે યાર્ન ઇન્ડસ્ટ્રી પર સતત નજર રાખવામાં આવી રહી છે,જેથી ભવિષ્યમાં વેપારીઓને આવી સમસ્યાનો સામનો ન કરવો પડે, અને આ મુદ્દે ફરી એકવાર વેપારીઓ સાથે બેઠક યોજવામાં આવશે.
બીજી તરફ, સુરતમાંથી શ્રમિકોના પલાયનને લઈને ચાલી રહેલી ચર્ચાઓ પર મંત્રીએ સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે ‘પલાયન’ શબ્દનો ઉપયોગ કરવો જ ન જોઈએ. સુરતના ઉદ્યોગપતિઓએ શ્રમિકોને અને શ્રમિકોએ માલિકોને પોતાના પરિવાર સમાન ગણવા જોઈએ. આગામી સમયમાં દુર્ગાપૂજા, દશેરા, દિવાળી અને છઠપૂજા જેવા મોટા તહેવારો આવી રહ્યા હોવાથી શ્રમિકો પોતાના વતન જઈ રહ્યા છે. વેપારીઓએ કારીગરોને કાઢી મૂક્યા હોવાની વાત પાયાવિહોણી છે.
રાજકીય મુદ્દાઓ પર બોલતા કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના વિરોધને લઈને રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે ‘મીઠા-મીઠા ગપ-ગપ, તીતા-તીતા થૂ-થૂ’ જેવું બેવડું વલણ કોંગ્રેસ અપનાવી રહી છે. જો આ બાબત ગેરવાજબી લાગતી હોય તો રાહુલ ગાંધીએ પોતે રાજીનામું આપવું જોઈએ, તેમજ કર્ણાટક અને તેલંગાણાની કોંગ્રેસ સરકારો પાસે તાત્કાલિક રાજીનામા કરાવવા માટે હાઈકમાન્ડને ખુલ્લી ચેતવણી આપી હતી.
