ભરૂચના સંભેટી ગામે GPCBની ભરૂચ પ્રાદેશિક કચેરી અને પિડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે ‘સેવા મેરા યોગદાન’ અભિયાન અંતર્ગત સંભેટી સરકારી પ્રાથમિક શાળા ખાતે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત સિંગલ-યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને રોકવા અંગે જાગૃતિ કાર્યક્રમ, પ્લાસ્ટિક કચરાના નિકાલ અને સફાઈ અભિયાન, તેમજ શાળામાં બે કમ્પ્યુટરનું લોકાર્પણ અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને ગ્રામજનોમાં સિંગલ-યુઝ પ્લાસ્ટિકના ઉપયોગથી પર્યાવરણને થતી હાનિકારક અસરો અંગે જાગૃતિ લાવવાનો હતો. આ સાથે સ્વચ્છતા જાળવવા, પ્લાસ્ટિક કચરાનો યોગ્ય નિકાલ કરવા અને પર્યાવરણના સંરક્ષણ માટે સૌને સહભાગી બનવા પ્રેરિત કરવામાં આવ્યા હતા.

શાળામાં બે કમ્પ્યુટરનું લોકાર્પણ કરવામાં આવતાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ડિજિટલ સુવિધાઓનો લાભ મળી શકશે. જ્યારે વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણને હરિયાળું બનાવવા અને પ્રકૃતિના જતનનો સંદેશ આપવામાં આવ્યો હતો.