ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ સુરક્ષાના હેતુથી નર્મદા નદીમાં આવેલા કેટલાક ટાપુઓ પર પોલીસની પૂર્વ મંજૂરી વિના પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023ની કલમ 163 હેઠળ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભરૂચ દ્વારા આ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.જાહેરનામામાં જણાવ્યા અનુસાર, ચોમાસા બાદ નર્મદા નદીમાં પાણીનું સ્તર ઘટતાં સરફુદીન બેટ, દશાન બેટ, મહેગામ બેટ અને વેંગણી બેટ જેવા ટાપુઓ ઉપસી આવ્યા છે. આ પૈકી કેટલાક ટાપુઓ પર માનવવસ્તી ન હોવાથી સુરક્ષાની દૃષ્ટિએ વિશેષ તકેદારી રાખવાની જરૂરિયાત દર્શાવવામાં આવી છે. બીજી તરફ, દરિયાકાંઠે આવેલા આલીયાબેટમાં લોકો પશુપાલન અને માછીમારી જેવી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે.

નર્મદા નદીમાં આવેલા દશાન બેટ, મહેગામ બેટ અને આલીયાબેટ પર પોલીસ વિભાગની પૂર્વ મંજૂરી વિના કોઈપણ વ્યક્તિ પ્રવેશ કરી શકશે નહીં. આ ઉપરાંત, મંજૂરી વિના કોઈપણ પ્રકારનું બાંધકામ કરવા અથવા ધાર્મિક મેળાવડા યોજવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 223 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.