અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં રૂપિયા 95 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ભૃગુ નર્મદા સરોવરનું રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારની વધતી જતી પાણીની જરૂરિયાતને પહોંચી વળવા રાજ્ય સરકાર સાથે અંકલેશ્વર ઉદ્યોગ મંડળ અને નોટીફાઇડ એરિયા ઓથોરિટી  દ્વારા મહત્વપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે. અંકલેશ્વરમાં રૂ. 95 કરોડના ખર્ચે 30 એકર વિસ્તારમાં ‘ભૃગુ નર્મદા સરોવર’નું નિર્માણ કરવામાં આવશે. આ સરોવરનું નિર્માણ બે વર્ષના સમયગાળામાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. સરોવર કાર્યરત થયા બાદ તેમાં 65 MLD પાણીનો સંગ્રહ થઈ શકશે, જેનાથી અંકલેશ્વરના રહેણાંક વિસ્તારો તેમજ ઔદ્યોગિક એકમોની પાણીની જરૂરિયાત પૂરી કરવામાં મદદ મળશે.આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટના ભાગરૂપે આયોજિત નવા સરોવરના ખાતમુહૂર્ત સમારોહમાં રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી  ઈશ્વરસિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, નોટીફાઇડ એરિયા ઓથોરિટીના ચેરમેન પ્રબોધ પટેલ, ભાજપ પ્રમુખ જય તેરૈયા, મહંત ગંગાદાસ બાપુ જીઆઇડીસીના અધિકારીઓ, ઉદ્યોગ મંડળના હોદ્દેદારો અને ઉદ્યોગ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.સરોવરમાં પાણીના સંગ્રહ માટે ઉકાઈ યોજના, કરજણ સિંચાઈ યોજના અને ભાડભૂત બેરેજના પાણીના સ્ત્રોતનો ઉપયોગ કરવાનું આયોજન છે. આ જળસ્ત્રોતોનો ઉપયોગ કરીને પાણીની ઉપલબ્ધતા વધારવા અને ઔદ્યોગિક તેમજ રહેણાંક વિસ્તારોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે દિશામાં આયોજન કરવામાં આવ્યું છે.અંકલેશ્વર જીઆઇડીસી દેશના મહત્વના ઔદ્યોગિક વિસ્તારો પૈકીનો એક હોવાથી અહીં વિવિધ ઉદ્યોગોની પાણીની જરૂરિયાત સતત મહત્વ ધરાવે છે. સાથે જ શહેર અને આસપાસના રહેણાંક વિસ્તારોમાં પણ પાણીની માંગ વધી રહી છે. આવી સ્થિતિમાં ભૃગુ નર્મદા સરોવરનો પ્રોજેક્ટ ભવિષ્યની જરૂરિયાતોને પહોંચી વળવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

રૂ. 95 કરોડના ખર્ચે સાકાર થનારા આ પ્રોજેક્ટથી પાણી સંગ્રહ ક્ષમતામાં વધારો થવાની સાથે અંકલેશ્વરના ઔદ્યોગિક વિકાસને પણ વેગ મળવાની અપેક્ષા છે. બે વર્ષમાં સરોવરનું નિર્માણ પૂર્ણ કરવાનું આયોજન સફળ થાય તો આગામી સમયમાં સ્થાનિક રહેવાસીઓ અને ઔદ્યોગિક એકમોને પાણીની ઉપલબ્ધતામાં નોંધપાત્ર લાભ મળી શકે છે.