વેજલપોરના શ્રીજી નગર વિસ્તારની ચકચારી ઘટના
ખુલ્લા પ્લોટમાં એક મસ્તક મળી આવતા ખળભળાટ
મસ્તક બાળકનું હોવાનું સરપંચે લગાવ્યું હતું અનુમાન
FSLની પ્રાથમિક તપાસમાં મસ્તક પશુનું હોવાની પુષ્ટિ
રૂરલ પોલીસે આગળની કાનૂની તપાસ વધુ તેજ કરી
વલસાડના વેજલપોર ગામમાંથી ધડ વગરનું મસ્તક મળી આવતા ભારે ચકચાર મચી હતી. જોકે, FSLની તપાસમાં આ મસ્તક બાળકનું નહીં, પણ પશુનું હોવાનું સામે આવ્યું છે.
વલસાડના વેજલપોર ગામે શ્રીજી નગર વિસ્તારમાં આવેલા વિનાયક પેલેસની સામે એક ખુલ્લા પ્લોટમાંથી ધડ વગરનું મસ્તક મળી આવતા ભારે ચકચાર મચી હતી. બનાવની જાણ થતાં જ વલસાડ રૂરલ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.
પોલીસે મામલાની ગંભીરતાને ધ્યાને લઈ સઘન તપાસ શરૂ કરી હતી. જોકે, શરૂઆતમાં સ્થાનિકો અને સરપંચે આ મસ્તક કોઈ બાળકનું હોવાનું અનુમાન લગાવ્યું હતું. પરંતુ આ મામલે પોલીસ દ્વારા આસપાસના વિસ્તારના શ્રમિકો અને સ્થાનિક રહેવાસીઓની પૂછપરછ કરવામાં આવી છે.
આસપાસના વિસ્તારમાં કોઈ બાળક ગુમ થયા અંગેની કે, કોઈ અપહરણની અગાઉ નોંધ થઈ નથી. તો બીજી તરફ, આ અંગે FSLની ટીમે પ્રાથમિક તપાસ કરતા આ મસ્તક બાળકનું નહીં, પણ પશુનું હોવાનું સામે આવ્યું છે, ત્યારે હાલ તો વલસાડ રૂરલ પોલીસે આ મામલે આગળની કાનૂની તપાસને વધુ તેજ કરી છે.
