દિવાળી-છઠપૂજાને લઈ વતન જતાં સુરતના પરપ્રાંતિયો
ઉધના રેલવે સ્ટેશન ખાતે માનવ મહેરામણ ઉમટી પડ્યું
15 હજારની કેપેસિટી ધરાવતો હોલ યાત્રીઓથી ઉભરાયો
રેલવે તંત્ર દ્વારા યાત્રીઓ માટે વિવિધ સુવિધા ઊભી કરાય
1 ઓક્ટોબરથી અત્યાર સુધી 4 લાખથી વધુ મુસાફરો રવાના
દિવાળી અને છઠપૂજાને લઈને સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ઉત્તરપ્રદેશ અને બિહાર તરફ જતા પરપ્રાંતીય મુસાફરોનો મોટો ધસારો જોવા મળી રહ્યો છે.
દિવાળી અને છઠપૂજાને લઈને સુરતમાં વસતા લાખો પરપ્રાંતિય શ્રમિકો પોતાના માદરે વતન જવા માટે નીકળી પડ્યા છે. ખાસ કરીને ઉત્તરપ્રદેશ અને બિહાર તરફ જતા મુસાફરોનો સૌથી મોટો ધસારો ઉધના રેલવે સ્ટેશન પર જોવા મળી રહ્યો છે. ઉધના રેલવે સ્ટેશન પરિસરમાં મુસાફરોની એટલી ભારે ભીડ એકઠી થઈ ગઈ છે કે, તંત્ર દ્વારા બનાવવામાં આવેલો વિશાળ હોલ્ડિંગ એરિયા પણ ટૂંકો પડી રહ્યો છે.
પરપ્રાંતિય કામદારો ટ્રેન પકડવા માટે નિર્ધારિત સમય કરતાં 5થી 10 કલાક વહેલા જ સ્ટેશને પહોંચી રહ્યા છે. રેલવેના હોલ્ડિંગ એરિયાને કારણે મુસાફરોને આકરા તડકાથી છતનું રક્ષણ તો મળ્યું છે, પરંતુ ભીડ અતિશય વધી જતાં બેસવાની જગ્યા ઓછી પડી રહી છે. પરિણામે, બાળકો અને વૃદ્ધો સહિત હજારો મુસાફરો કલાકો સુધી સામાન સાથે ઊભા રહીને ટ્રેનની રાહ જોવા મજબૂર બન્યા છે. તો બીજી તરફ, રેલવે પ્રશાસન દ્વારા ભીડને નિયંત્રિત કરવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
ગત રાત્રિથી આજના દિવસ દરમિયાન કુલ 10 ટ્રેનો ચલાવવાનું આયોજન છે, જેમાં 3 નિયમિત અને 7 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન સામેલ છે. આ સાથે જ રેલવે સ્ટેશન પરિસરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે RPF અને સ્થાનિક પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે.
