ભરૂચમાં કરવામાં આવશે ઉજવણી
જનજાતિય ગૌરવ સપ્તાહની ઉજવણી
ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ નિમિત્તે આયોજન
વિવિધ કાર્યક્રમો યોજાશે
મંત્રી ઇશ્વરસિંહ પટેલે આપી માહિતી
ભરૂચમાં ભગવાન બિરસા મુંડાની 151મી જન્મ જયંતિ નિમિત્તે યોજાનાર જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણી અંગેની માહિતી આપવા પત્રકાર પરિષદ યોજાઈ હતી.
ભરૂચ જિલ્લામાં ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે 12થી 18 નવેમ્બર દરમિયાન જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે.આ અંગે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ હતી.
રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, જનજાતીય ગૌરવ સપ્તાહ અંતર્ગત 13 નવેમ્બરે જિલ્લાના પાંચ વિધાનસભા વિસ્તારોમાં યુવા સંમેલનો યોજાશે. 14 નવેમ્બરે જનજાતીય મહાનુભાવોનાં સ્મારકો અને પ્રતિમાઓની આસપાસ સ્વચ્છતા અભિયાન તથા દીપોત્સવ યોજાશે. જ્યારે 15 નવેમ્બરે ઝઘડિયા વિધાનસભા વિસ્તારના નેત્રંગ ખાતે જિલ્લા કક્ષાના જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવશે.આ ઉપરાંત 16 નવેમ્બરે પ્રબુદ્ધ નાગરિક સંમેલન, 17 નવેમ્બરે પરંપરાગત દેશી ગ્રામીણ રમતોત્સવ અને 18 નવેમ્બરે જિલ્લાના ચાર વિધાનસભા વિસ્તારોમાં આદિવાસી મહિલા સંમેલનો યોજાશે.
સપ્તાહ દરમિયાન લોકનૃત્યો, પરંપરાગત સાંસ્કૃતિક કાર્યક્રમો, ભગવાન બિરસા મુંડાને પુષ્પાંજલિ અને વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિ મેળવનાર પ્રતિભાઓનું સન્માન કરવામાં આવશે. સાથે જ સરકારી યોજનાઓના લાભાર્થીઓને પ્રમાણપત્રો, આદેશપત્રો અને અધિકારપત્રોનું વિતરણ કરાશે.
વન અધિકાર અધિનિયમ અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સહિતની યોજનાઓ અંગે પણ માહિતી આપવામાં આવશે.પત્રકાર પરિષદમાં જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલ રાજ, ધારાસભ્યો રમેશ મિસ્ત્રી, રિતેશ વસાવા, અરુણસિંહ રાણા, ડી.કે. સ્વામી સહિતના પદાધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
