ભરૂચ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા બેરોજગાર યુવાનોને રોજગારીની તક મળી રહે તે હેતુથી વાલીયા ખાતે ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 25મી નવેમ્બર, બુધવારના રોજ સવારે 11 કલાકે આઇ.ટી.આઇ. વાલીયા ખાતે ભરતીમેળો યોજાશે.

આ ભરતીમેળામાં મહાનસારિયા ટાયર્સ પ્રાઇવેટ લિમિટેડ, એમઆરએફ લિમિટેડ, દહેજ યોકોહામા ઓફ હાઇવે ટાયર્સ, ફલોમેટાલિક – બ્રેક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, કેડિલા ફાર્માસ્યુટિકલ લિમિટેડ સહિતની કંપનીઓ ભાગ લેશે. આ ઉપરાંત યુવાશક્તિ ફાઉન્ડેશન પણ ભરતી પ્રક્રિયામાં જોડાશે.

ભરતીમેળામાં ધોરણ 10 પાસ, 12 પાસ, આઇ.ટી.આઇ.ના કોઈપણ ટ્રેડ, કોઈપણ વિષયમાં ડિપ્લોમા તેમજ સ્નાતક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે.જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા લાયકાત ધરાવતા વધુમાં વધુ ઉમેદવારોને જરૂરી શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો સાથે સમયસર ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવી છે. આ અંગેની માહિતી જિલ્લા રોજગાર અધિકારી, ભરૂચ દ્વારા અખબારી યાદીમાં આપવામાં આવી છે.