ઓસ્ટ્રેલિયન સેનેટર ફાતિમા પેમેન તેમની 6 મહિનાની પુત્રી આલિયાને ખોળામાં પકડીને સંસદને સંબોધિત કરતી જોવા મળી હતી. આ ક્ષણનો એક વીડિયો વાયરલ થયો છે.
થોડા દિવસો પહેલા, ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સની સંસદમાં, લિબરલ પાર્ટીના સાંસદ જોર્ડન લેને પોતાની જીવનસાથી, નતાલી હિસી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂકીને વિશ્વનું ધ્યાન ખેંચ્યું હતું. હવે, ઓસ્ટ્રેલિયન સેનેટમાં કંઈક બીજું જ સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
એક ઓસ્ટ્રેલિયન સેનેટર પોતાની 6 મહિનાની પુત્રીને ખોળામાં રાખીને ગૃહને સંબોધિત કરતા જોવા મળ્યા. તેઓ પોતાની સંસદીય ફરજો બજાવી રહ્યા હતા, અને અન્ય એક સેનેટર તે બાળકી સાથે રમતા જોવા મળ્યા. સેનેટની કાર્યવાહી દરમિયાન, પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના અપક્ષ સેનેટર ફાતિમા પેમેન પોતાની પુત્રી આલિયાને ખોળામાં લઈને ગૃહને સંબોધિત કરતા જોવા મળ્યા. ફૂટેજમાં, પેમેન ‘ડિસ્પેચ બોક્સ’ (ભાષણ આપવાનું સ્થાન) પાસે ઊભા રહીને અન્ય ધારાસભ્યો સાથે વાત કરતા અને એક પ્રસ્તાવ રજૂ કરતા જોઈ શકાય છે, જ્યારે તેમનું બાળક સુરક્ષિત રીતે તેમના ખોળામાં હતું.
આ અનોખો અને હૃદયસ્પર્શી ક્ષણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. કાર્યવાહી દરમિયાન અન્ય એક દ્રશ્ય પણ ધ્યાન ખેંચનારું હતું: પેમેનની પાછળ બેઠેલા અપક્ષ સેનેટર લિડિયા થોર્પ, આલિયા સાથે વાતચીત કરતા અને તેની સાથે ‘પીકા-બૂ’ (બાળકો સાથે રમાતી રમત) રમતા જોવા મળ્યા. નોંધનીય છે કે, ઓસ્ટ્રેલિયન સંસદમાં નાના બાળકોને લાવવાની મંજૂરી છે.
નિયમો અનુસાર, સેનેટરોને સંસદીય કાર્યવાહીમાં ભાગ લેતી વખતે પોતાના બાળકોની સંભાળ રાખવાની અને તેમને સ્તનપાન કરાવવાની છૂટ છે. આ જોગવાઈ માતા-પિતાને તેમના બાળકોથી અલગ થયા વિના સંસદીય કામગીરીમાં સક્રિય રહેવામાં મદદરૂપ થાય છે.
